ભૂજ, 12 એપ્રિલ 2026: Trader loses Rs 75 lakh in the lure of cheap gold શહેરના એક વેપારીએ સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં રૂપિયા 75 લાખ ગુમાવ્યા છે. ભૂજના વેપારીને બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી રૂ.75 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ કચ્છ એલસીબીએ બે શખ્સોને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.52 લાખની રોકડ રકમ, એક કાર અને મોબાઈલ મળી કુલ રૂ.57.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ વર્ષ 2024 માં સસ્તું સોનું આપવાનું કહી ભૂજના વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. લાલચમાં આવીને વેપારીએ અલગ-અલગ સમયે કુલ રૂ.75,00,000 આપ્યા હતા. જેની સામે આરોપીઓએ માત્ર રૂપિયા 14 લાખની કિંમતના બે સોનાના બિસ્કીટ આપી બાકીના રૂપિયા 61 લાખનું સોનું કે રકમ પરત ન કરી ઠગાઈ આચરી હતી. આ અંગે ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમટ શરૂ થયો હતો.બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાની સૂચનાથી LCBની ટીમે તપાસ હાથ ધરી હતી.
બાતમીના આધારે પોલીસે ભુજની ગાંધીનગરીમાં રહેતા આરોપીઓ અલ્તાફ હુશેન જત (નકલી નામ: રાહુલ સોની), રહે. ગાંધીનગરી, ભુજ. અને હાજી વલીમામદ કકલ, રહે. ગાંધીનગરી, ભુજ.ને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી હાજી વલીમામદ કકલ અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ, હત્યાનો પ્રયાસ , લૂંટ અને છેતરપિંડી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.


