ફેબ્રુઆરીમાં ભાજપને નવા પ્રમુખ મળવાની શક્યતા
નવી દિલ્હીઃ ભાજપાના પ્રેસિડેન્ટ જેપી નડ્ડાના સ્થાન લે તેવા નવા અધ્યક્ષની ચૂંટણી ફેબ્રુઆરીના અંત સુધીમાં યોજાય તેવી શક્યતા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાલી રહેલી સંગઠનાત્મક ચૂંટણીઓ હેઠળ, પાર્ટીના અડધાથી વધુ રાજ્ય એકમોમાં મતદાન પ્રક્રિયા જાન્યુઆરીના મધ્ય સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે.
એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, ભાજપના રાજ્ય એકમોના લગભગ 60 ટકા પ્રમુખોએ તેમનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો છે. આગામી મહિનાના મધ્ય સુધીમાં તેમના સ્થાને નવા પ્રમુખની પસંદગી થઈ શકે છે. ભાજપના બંધારણમાં એવી જોગવાઈ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઓછામાં ઓછા અડધા રાજ્ય એકમોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થવી જોઈએ.
પાર્ટી અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. જો કે, 2024માં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. આ ચૂંટણી બાદ બીજેપીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ફરી સત્તામાં આવ્યું. ભાજપના નવા પ્રમુખને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભાજપના એક અધિકારીએ કહ્યું કે અમને આશા છે કે નવા ભાજપ અધ્યક્ષ ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યભાર સંભાળશે.