પાલનપુર, 29 ઓગસ્ટ, 2026 : Car seized with 228.7 kg of poshdoda બનાસકાંઠા રેન્જ પોલીસે બાતમીને આધારે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર રાજસ્થાન જતી એક કારને અટકાવીને તલાશી લેતા કારમાંથી 228.7 કિલો પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ટાટા સફારી કારનો ચાલક નાસી ગયો હતો. પોલીસે 228.7 કિલોગ્રામ પોષડોડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 50.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ડીસા- ધાનેરા હાઈવે પર રેન્જ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ગ્રે કલરની ટાટા સફારી ગાડી (નંબર 23-BH-8188-C) માં ગેરકાયદે માદક પદાર્થ ભરીને ડીસા-ધાનેરા થઈને રાજસ્થાન તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ધાનેરા ખાતે વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન શંકાસ્પ ટાટા સફારી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેકિંગ જોઈને ટાટા સફારી કારનો ચાલક અને તેની સાથેનો અન્ય ઈસમ વાહન મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા અંદરથી કાળા રંગના કુલ 12 કટ્ટા મળી આવ્યા હતા, જેમાંથી 228.7 કિલો પોષડોડા (કિંમત અંદાજે 34.30 લાખ રૂપિયા) જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 16 લાખ રૂપિયાની કિંમતની ટાટા સફારી અને અલગ-અલગ રાજ્યોની નંબર પ્લેટની 6 જોડ સહિત કુલ 50.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. ફરાર થયેલા આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C), 15(C) અને 29 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) ની સૂચનાથી રેન્જ વિસ્તારમાં NDPS નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


