અમદાવાદ, 29 ઓગસ્ટ, 2026 : 24 Gujaratis missing in Nepal floods નેપાળમાં સર્જાયેલા જળપ્રલયમાં પ્રવાસે ગયેલા 24 ગુજરાતીઓ લાપત્તા બન્યા છે. લાપત્તા થયેલા પ્રવાસીઓની ભાળ મેળવવા માટે ભારત સરકાર સતત નેપાળ અને ચીનના સંપર્કમાં છે. ગુજરાત સરકારે કંન્ટ્રોલરૂમ પણ શરૂ કર્યો છે. પૂર હોનારતમાં લાપત્તા પ્રવાસીઓમાં 12 ગુજરાતી લાપત્તા હોવાની અગાઉ માહિતી સામે આવી હતી, ત્યારબાદ આ આંકડો 18 થયો હતો અને હવે 28 ઓગસ્ટના સવારે 7:45 વાગ્યા સુધીમાં કુલ 24 ગુજરાતીઓનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા તૈયાર કરાયેલી માહિતીમાં આ વિગતો સામે આવી છે. દરમિયાન સુરતના પ્રવાસે આવેલા કેન્દ્રિયમંત્રી સી.આર. પાટીલે કહ્યું કે 150થી વધુ ગુજરાતીઓ અસરગ્રસ્ત થયાની શક્યતા છે. ભારત સરકારે 47.5 ટન રાહત સામગ્રી મોકલી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી સતત સંપર્કમાં છે.
નેપાળમાં જળહોનારતે અનેક લોકોનો ભાગ લીધો છે. નેપાળ અને કૈલાશ માનસરોવરના પ્રવાસે ગયેલા એનઆરઆઈ સહિત 24 જેટલા ગુજરાતીઓનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક લોકો 23 ઓગસ્ટે નેપાળ પ્રવાસે નીકળ્યા હતા. તેમની છેલ્લી માહિતી મુજબ તેઓ નેપાળ-તિબેટ બોર્ડર તરફ હતા અને ત્યારથી સંપર્ક થઈ શક્યો નથી. જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થિત ખંઢેરી હનુમાન મંદિરના પૂજારી ચૌહાણ કામતાપ્રસાદ (ગોમતીબાપુ)નો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો નથી. તેઓ અયોધ્યાથી નેપાળ જવા નીકળ્યા બાદ તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. પૂજારી ગોમતીબાપુ જાફરાબાદથી અમદાવાદ ટ્રેન દ્વારા અયોધ્યા ગયા હતા. ત્યાંથી સુલતાનપુર આશ્રમના સંતો-મહંતોના સંઘ સાથે નેપાળ દર્શન માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરના કેટલાક પ્રવાસીઓ નેપાળ ટ્રેકિંગ પ્લાનર મારફતે ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે આણંદના બે પ્રવાસીઓ હિમાલયન ગ્લેશિયર એન્ડ એડવેન્ચર પ્લાનર મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે ગયા હતા અને તેમનો પણ સંપર્ક થઈ શક્યો નથી. SEOCની યાદીમાં હાલ 24 લોકો ‘Missing/Uncontactable’ તરીકે નોંધાયેલા છે અને રાજ્ય તંત્ર દ્વારા તેમની માહિતી તથા સંપર્ક સ્થાપિત કરવા માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યુ હતું કે, નેપાળ જળપ્રલયમાં જાનમાલનું સાચું નુકસાન કેટલું થયું છે તેનો ચોક્કસ આંકડો સામે આવતા હજુ લાંબો સમય લાગી શકે છે. નેપાળના રસૂવા સહિતના વિસ્તારોમાં આવેલી આ આફતમાં અત્યાર સુધી 392થી વધુ લોકોના મોત થયા છે અને 1,400 લોકો ગુમ છે, જેમાં 290 ભારતીયોનો સમાવેશ થાય છે. દેશભરમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 150થી વધુ ગુજરાતીઓ પણ અસરગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.


