Homeગુજરાતીગુજરાતસાયબર માફિયાએ પોલીસી રિન્યુઅલના નામે મહિલા પીઆઈ સાથે કરી ઠગાઈ

સાયબર માફિયાએ પોલીસી રિન્યુઅલના નામે મહિલા પીઆઈ સાથે કરી ઠગાઈ

અમદાવાદ, 29 ઓગસ્ટ, 2026 : Cyber ​​mafia cheats female PI  સાયબર માફિયાઓ જુદી જુદી અવનવી તરકીબો અપનાવીને છેતરપિંડી કરતા હોય છે. ત્યારે શહેરમાં સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કવિતા બ્રહ્મભટ્ટને મોબાઈલ પર ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને રૂપિયા 5.43 લાખની છેરતપિંડી કરવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ફ્રોડના અન્ય એક બનાવમાં બાપુનગરના યુવકને રોકાણ પર ઊંચા નફા અને IPOની લાલચ આપી ₹27.56 લાખનો ચૂનો લગાડવામાં આવ્યો છે. બંને બનાવો અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાયબર ફ્રોડના બનાવની વિગત એવી છે કે, અમદાવાદમાં સિવિલ ડિફેન્સ હોમગાર્ડમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કવિતાબેન બ્રહ્મભટ્ટ પાસે મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સની બે પોલિસીઓ હતી. ગત 11 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સે પોતે ઇન્સ્યોરન્સ કંપનીનો પ્રતિનિધિ હોવાનું જણાવી સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મેનેજર તરીકે ઓળખ આપીને ગઠિયાએ જણાવ્યું હતું કે પોલિસી પર મળનારા 80 ટકા નફામાંથી મોટો હિસ્સો એજન્ટ લઈ જશે, જેથી પોલિસી બંધ કરાવી દેવામાં આવે તો મૂળ રકમ સહિત મોટો આર્થિક લાભ થશે. આ પ્રક્રિયા માટે પ્રથમ ચરણમાં પોલિસી બંધ કરવાના ચાર્જ પેટે ₹99,227 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ ગઠિયાઓએ પોલિસી પાકી ગઈ હોવાથી સંપૂર્ણ રકમ ખાતામાં જમા કરાવવાના બહાને જીએસટી (GST) પેટે ₹4,43,737 ભરવા માટે ક્યૂઆર (QR) કોડ મોકલ્યો હતો. મહિલા પીઆઈએ પોતાની પોલિસીની રકમ પરત મેળવવા અલગ-અલગ બેન્ક ખાતાઓ મારફતે કુલ ₹5,42,964 જમા કરાવ્યા હતા. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ કોઈ રકમ પરત ન મળતાં અને સામેથી સંપર્ક તૂટી જતાં પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

સાયબર ફ્રોડના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના બાપુનગર ખાતે રહેતા પ્રિયાંક રાણપુરા સોશિયલ મીડિયા પર ઊંચા વળતરની જાહેરાત જોઈને એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપની એડમિન મીરા નામની મહિલાએ રોકાણની વિવિધ સ્કીમો બતાવીને શરૂઆતમાં પ્રિયાંક પાસેથી ₹1 લાખનું રોકાણ કરાવ્યું હતું. તેના પર તાત્કાલિક 19 ટકા જેટલો ઊંચો નફો બતાવી વિશ્વાસ કેળવવા માટે ₹50,000 પરત પણ ચૂકવવામાં આવ્યા હતા, જેથી યુવકને રોકાણ સુરક્ષિત હોવાનો પૂરો ભરોસો બેઠો હતો. અને  વિશ્વાસમાં આવી ગયેલા યુવકે તબક્કાવાર કુલ ₹26 લાખથી વધુની રકમ જમા કરાવી દીધી હતી. સાયબર ઠગોએ યુવકની વર્ચ્યુઅલ પ્રોફાઇલમાં ₹1.20 કરોડના મોટા IPO ફાળવાયા હોવાનું તેમજ ખાતામાં ₹60 લાખનો ભારે નફો દર્શાવ્યો હતો. જોકે જ્યારે યુવકે પોતાના નાણાં પરત મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ તમામ સંપર્કો અને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. આ રીતે કુલ ₹27.56 લાખની છેતરપિંડી થતાં યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular