
ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂઝીલેન્ડની જીત બાદ ટુર્નામેન્ટમાંથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન બહાર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ સામે જીત મેળવીને ન્યુઝીલેન્ડે એક કાંકરે બે પક્ષી માર્યા છે. ન્યુઝીલેન્ડની જીત સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાન ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયા, જ્યારે કિવી સિવાય, ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી.
રચિન રવિન્દ્રની સદી અને કેપ્ટન ટોમ લાથમની અડધી સદીની મદદથી ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું. ન્યુઝીલેન્ડની જીત સાથે, ગ્રુપ Aમાંથી યજમાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેની ટુર્નામેન્ટમાં સફરનો અંત આવ્યો છે. આ ગ્રુપમાંથી ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં નવ વિકેટે 236 રન બનાવ્યા. જવાબમાં, ન્યુઝીલેન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 240 રન બનાવીને મેચ જીતી લીધી. આ ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો આ સતત બીજો વિજય છે.
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. આ બંને ટીમોએ અત્યાર સુધીમાં તેમના ગ્રુપમાં 2-2 મેચ રમી છે અને બંનેમાં જીત મેળવી છે. બીજી બાજુ પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ 2-2 મેચ પણ રમી અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો.
પોઈન્ટના આધારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગઈ. જ્યારે ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. ભારતીય ટીમે તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું હતું. આ પછી, પાકિસ્તાનનો પણ 6 વિકેટથી પરાજય થયો.
હવે ગ્રુપ-Aમાં વધુ 2 મેચ રમાશે. આ બંને મેચ ઔપચારિક રહેશે. આ ગ્રુપની આગામી મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. આ મેચ 27 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં રમાશે. જ્યારે ગ્રુપની છેલ્લી મેચ 2 માર્ચે દુબઈમાં ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે.