
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ: નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસે છે. તેમણે અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિસ્તારની મુલાકાત લીધી છે. ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વખાણ કર્યા. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ગુજરાતના પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની આ યાત્રા એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ લખ્યું કે, કાશ્મીરથી કેવડિયા સુધી. ઓમર અબ્દુલ્લાને સાબરમતી રિવરફ્રન્ટ પર દોડતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા જોઈને ખૂબ આનંદ થયો. તેમની મુલાકાત એકતાનો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે અને આપણા સાથી ભારતીયોને ભારતના વિવિધ ભાગોમાં મુસાફરી કરવા માટે પ્રેરણા આપશે.
અગાઉ, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, જ્યારે હું એક પર્યટન કાર્યક્રમ માટે અમદાવાદમાં હતો, ત્યારે મેં અહીં હોવાનો લાભ લીધો અને પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ પ્રોમેનેડ પર સવારની દોડ માટે ગયો. તે સૌથી સુંદર સ્થળોમાંનું એક છે જ્યાં હું દોડી શક્યો છું અને તેને ઘણા અન્ય વોકર્સ અને દોડવીરો સાથે શેર કરવાનો આનંદ હતો. હું અદ્ભુત અટલ ફૂટ બ્રિજ પરથી દોડવામાં પણ સફળ રહ્યો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “મેં વિચાર્યું ન હતું કે આ પ્રતિમા આટલી ભવ્ય હશે. તેને જોઈને જ સમજી શકાય છે કે તેને કઈ વિચારસરણી અને ભાવનાથી બનાવવામાં આવી છે. આ સરદાર વલ્લભભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે, જેમને આપણે ‘ભારતના લોખંડી પુરુષ’ તરીકે ઓળખીએ છીએ. આ ‘નવા ભારત’ની એક મોટી ઓળખ છે.”