- પાલિતાણાની બજારોમાં ઢોર અડ્ડો જમાવીને બેઠા રહે છે
- આખલાં દોડાદોડી કરતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ ભયભીત બને છે,
- નગરપાલિકાના નિષ્ક્રિય તંત્ર સામે લોકોમાં રોષ
પાલિતાણાઃ જૈનોના તિર્થસ્થાન પાલિતાણામાં રોજબરોજ અનેક યાત્રિકો આવતા હોય છે. પાલિતાણા શહેર વિકાસની દોડમાં પાછળ છે. કારણ કે શહેરના વિકાસમાં નગરપાલિકાના સત્તાધિશોને જ કોઈ રસ નથી. એવું લાગી રહ્યુ છે. શહેરમાં તમામ બજારોમાં રખડતા ઢોર,આખલાનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે અને રાહદારીઓને ઢીકે ચડાવતા લોકો ઇજાગ્રસ્ત થાય છે અથવા મોતને ભેટયા હોવાના પણ બનાવો બન્યા છે તેમ છતાં આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવામાં મ્યુનિનું તંત્ર વામણું પુરવાર થયું છે.
પાલિતાણા શહેરના મુખ્ય બજારમાં ખૂટીયાઓનો ત્રાસ વધ્યો છે અને રાહદારીઓ તેનો વિના વાકે ભોગ બની રહ્યા છે. નિર્દોષ લોકોને ખુટિયા હડફેટે લઈ રહ્યા છે. દિવસે દિવસે શહેરના જાહેર માર્ગો પર ફરતા આ આખલાઓની સમસ્યા અંગે તાકીદે કોઈ જાનહાની થાય તે પહેલા કડક અને કાયમી પગલા ભરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ મંગળવારે ગોરાવાડીના પુલ પાસે એક આખલો હડકાયો થતા રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને અડફેટે લીધા હતા. આખલાથી બચવા નાસભાગ થવા પામી હતી. હડકાયા આખલાએ આ વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો અને આઠ જેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા.
પાલિતાણાની બજારોમાં રખડતા ઢોર અડિંગો જમાવીને ટોળે વળીને બેઠેલા હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. નગરપાલિકા પાસે રખડતા ઢોર પકડવા માટે કોઈ અલાયદું તંત્ર જ નથી. આ ઉપરાંત શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન પણ માથાના દુઃખાવારૂપ બનતો જાય છે. શહેરના વિકાસ માટે નગરપાલિકાના સત્તાધિશોને કોઈ રસ ન હોય એવું લોકોને લાગી રહ્યું છે.