અમદાવાદ, 5 મે 2026: Parcel filled with jewelry not reaching Bangalore શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઈટમાં સોના ચાંદીના સાત જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ટાઇટન કંપનીના સોના- ચાંદીના દાગીનાનું કુલ રૂ. 2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું નહોતું. આ બાબતે લોજિસ્ટિક કંપની દ્વારા આકાશ એરલાઇન કંપનીનો સંપર્ક કરતા કોઈ માહિતી આપી નહોતી જેથી અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર એરપોર્ટ સુધી સોના ચાંદીના દાગીના ભરેલું પાર્સલ કંપનીએ ન પહોંચાડી અને છેતરપિંડી કરવામાં આવતા લોજિસ્ટિક કંપનીના કર્મચારી દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા બલવીર સિંહ રાઠોડ સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમની કંપની દેશના અલગ અલગ જગ્યાઓમાં પાર્સલ પહોંચાડે છે અને ટાઇટન કંપની સાથે તેમનો કોન્ટ્રાક્ટ થયેલો છે. 17 એપ્રિલના રોજ ટાઇટન કંપનીએ તેમના આપેલા ઓર્ડર મુજબ આરબીજેડ જ્વેલર્સ નામની જ્વેલર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા તેમનું પાર્સલ આપવામાં આવ્યું હતું જેમાં સોના ચાંદીનું પાર્સલ હતું આખા પાર્સલનું વજન 13 kg હતું અને તેમાં સોના ચાંદીના 2.1 કિલોગ્રામ જેની ₹2.58 કરોડ કિંમત હતી જે પાર્સલ સહિત અલગ અલગ બીજા છ સોના ચાંદીના પાર્સલ મળી સાત જેટલા પાર્સલ આપવામાં આવ્યા હતા. 18 એપ્રિલના રોજ વહેલી સવારે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ ખાતે અકાશા એર કંપનીને બેંગ્લોર પહોંચાડવા માટે આ તમામ પાર્સલ આપવામાં આવ્યા હતા અને એર કંપનીએ પાર્સલ મેળવ્યા અંગેની પહોંચ પણ આપેલી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ અકાશા એર કંપની મારફતે અગાઉ પણ પાર્સલ મોકલ્યા હોવાથી તેમને ભરોસો હતો. વહેલી સવારે 4.50 વાગ્યે અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટથી બેંગ્લોર જે ફ્લાઈટ જવાની હતી તે ફ્લાઇટમાં સાત પાર્સલ મોકલવામાં આવ્યા હતા જ્યારે સવારે બેંગ્લોર એરપોર્ટ ખાતે લોજિસ્ટિક કંપનીની ટીમ પાર્સલ લેવા ગઈ હતી ત્યારે તેમાંથી એક પાર્સલ મળી આવ્યું નહોતું. 2.1 કિલો સોના ચાંદીના દાગીના ભરેલું રૂપિયા 2.58 કરોડનું પાર્સલ પહોંચ્યું નહોતું. આ બાબતે અમદાવાદ ખાતે આકાશા એર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તમામ સાત પાર્સલ પહોંચાડી દેવામાં આવ્યા છે. જ્યારે બેંગલોર એરપોર્ટ ખાતે અકાશા એર કંપનીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે છ પાર્સલ પહોંચ્યા છે પરંતુ એક પાર્સલ મળ્યું નથી.
એર કંપનીને ગુમ થયેલા પાર્સલ અંગે પૂછપરછ કરતા તેમણે માહિતી આપી નહોતી. કરોડો રૂપિયાના સોના ચાંદીના દાગીના ભરેલું પાર્સલ અમદાવાદ એરપોર્ટથી મેળવી અને બેંગ્લોર એરપોર્ટ ખાતે ન પહોંચાડી છેતરપિંડી કરતા સિક્વલ લોજિસ્ટિક કંપનીના સિક્યુરિટી મેનેજર એ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અકાશા એર કંપની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


