
- મ્યુનિ.કમિશનરને રમકડાંની બસો આપતા પોલીસ સાથે ઝપાઝપી
- 45 ડિગ્રીમાં સિટીબસોને બંધ કરવાની ફરજ પડે છે
- સિટી બસ સેવાનાં નામે કરોડો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સિટીબસસેવા કથળતી જાય છે. તાજેતરમાં શહેરના ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. તેમજ છેલ્લા થોડા દિવસોથી 45 ડિગ્રી ગરમીનાં કારણે 100થી પણ વધારે સિટી બસ બંધ રાખવામાં ફરજ પડી હતી. જેને લઈને કોંગ્રેસના આગેવાનો દ્વારા શનિવારે મ્યુ. કમિશનરનો ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન કમિશનર ઓફિસમાં જ રમકડાંની સિટી બસો આપી વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયા હતા. આ તકે મ્યુ. કમિશનર ભાજપનું પીઠું હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવાયો હતો.
રાજકોટ શહેરમાં કથળેલી સિટિબસ સેવાને મામલે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસનાં અગ્રણીઓ રમકડાની બસો લઈ મ્યુનિ કમિશનરની ઓફિસમાં ગયા હતા. સૌપ્રથમ આવેદન આપી કોન્ટ્રાક્ટરની સામે કડક પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ રમકડાંની બસો કાઢી કમિશનરનાં ટેબલ ઉપર મુકવાનો પ્રયાસ કરતા પોલીસ દોડી આવી હતી. જેને લઈને કોંગ્રેસના આગેવાનો અને વિજિલન્સ પોલીસ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયા હતા. બાદમાં પોલીસ દ્વારા કોંગ્રેસનાં આગેવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા.
વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, આ રાજકોટ મ્યુનિ. કમિશનર ભાજપનાં પીઠું છે. ભાજપ કહે તેટલું જ કરે છે. સરકારે ખરીદેલી બસો માત્ર 45 ડિગ્રી તાપમાનમાં બંધ થઈ જાય છે. ત્યારે તેમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગી રહ્યું છે. બસોમાં ખામી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. જેને લઈને મ્યુનિ કમિશનરને રમકડાંની સિટી બસો આપીને વિરોધ કરવામાં આવ્યો હતો. સિટી બસ સેવાનાં નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
કોંગ્રેસના આગેવાન રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મ્યુ. કમિશનરને કોંગ્રેસ દ્વારા આક્રમક રીતે રજૂઆત કરવામાં આવી છે કે એકતરફ લોકો મરી રહ્યા છે. બીજી તરફ આ લોકો એસી ચેમ્બરોમાં બેસીને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપને અધિકારીઓ સપોર્ટ કરી રહ્યા છે, જેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે આ વિરોધ કરવામાં આવતા તરત જ પોલીસને આગળ કરી અમને બહાર કાઢી મુકવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, મ્યુ કમિશનરને એક સપ્તાહ પહેલા પણ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજસુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવ્યા નથી. હાલમાં 126 જેટલી સિટી બસ બંધ હોવા છતાં કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવતા નથી. ક્યાંક ભાજપ સાથે તાલમેલ હોય તેવું હાલ લાગી રહ્યું છે. સિટી બસો ફૂલ રહેતી હોવા છતાં વાર્ષિક અંદાજે રૂ. 27 કરોડની ખોટ કેમ થાય છે? તેનો જવાબ આપવામાં આવતો નથી.