
- માત્ર ગાંધીનગર જ નહીં દરેક જિલ્લા પંચાયતમાં આવી હાલત છે,
- આઉટસોર્સ એજન્સીઓ સરકાર દ્વારા નાણા મળ્યા બાદ પગાર ચૂકવે છે,
- સમયસર પગાર ન મળતા પરેશાની ભોગવતા કર્મચારીઓ
ગાંધીનગરઃ જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓને નિયમિત સમયસર પગાર ન ચુકવાતા કર્મચારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. ગર મહિને ક્યારે અને કઈ તારીખે પગાર થશે તે નક્કી નથી. કોન્ટ્રાક્ટરોને જ્યારે સરકાર તરફથી પેમેન્ટ મળે ત્યારબાદ પગાર ચૂકવવામાં આવતો હોય છે. આવી સ્થિતિ માત્ર ગાંધીનગર જિલ્લા પંચાયતમાં જ નહીં પણ દરેક જિલ્લા પંચાયતોમાં જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લાના પંચાયતના જુદા જુદા વિભાગોમાં અલગ અલગ આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી માટે અલગ અલગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેને પરિણામે આઉટસોર્સિંગ કર્મચારીઓને નિયત કરેલી તારીખે અને નિયમિત માસિક વેતન મળતું નથી. આથી જિલ્લા પંચાયતના અલગ અલગ વિભાગમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી માટે એક જ કોન્ટ્રાક્ટ રાખવામાં આવે તેવી આશા આઉટસોર્સિંગના કર્મચારીઓ રાખી રહ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ગ-4 સહિતના કર્મચારીઓની ભરતી આઉટસોર્સિંગથી કરવામાં આવે છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતના આરોગ્ય, શિક્ષણ, પંચાયત, વિકાસ, મહેસુલ, મહેકમ, આંગણવાડી, પશુપાલન, ખેતીવાડી, સમાજકલ્યાણ, બાંધકામ, સિંચાઇ સહિતના વિભાગોમાં અંદાજે 200 જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓ સેવક, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાઇવર સહિતની પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે. જોકે આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી માટે દરેક વિભાગવાર અલગ અલગ કોન્ટ્રાક્ટ આપીને આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. જોકે સામાન્ય રીતે એક જ કચેરીના અલગ અલગ વિભાગમાં અલગ અલગ કોન્ટ્રાક્ટથી આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી કરવાના કારણે દર માસે નિયત તારીખે અને નિયમિત માસિક વેતન મળતું નથી. ઉપરાંત પગારમાં વિસંગતતાને પગલે આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવો આક્ષેપ આઉટસોર્સિંગ કર્મચારીઓ કરી રહ્યા છે. આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીમાં એકસૂત્રતા જળવાતી નથી. આથી જિલ્લા પંચાયતની અલગ અલગ વિભાગવાર અલગ અલગ કોન્ટ્રાક્ટની પ્રથા રદ કરીને એક જ કોન્ટ્રાક્ટથી આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો માસિક પગારની અનિયમિતતા અને માસિક વેતનની વિસંગતતાનો પ્રશ્નનો ઉકેલ આવે તેમ છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અગાઉ જિલ્લા પંચાયતમાં આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતી માત્રને માત્ર એક જ કોન્ટ્રાક્ટ દ્વારા કરવામાં આવતી હતી. પરંતું આ રીતે અલગ અલગ વિભાગવાર અલગ અલગ કોન્ટ્રાક્ટની મદદથી આઉટસોર્સિંગ કર્મચારીઓની ભરતીમાં કોનું હિત કે લાભ રહેલો છે. તે દિશામાં તપાસ કરીને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારની વિસંગતતા અને અનિયમિતતાને દુર કરવામાં આવે તેવી આશા જિલ્લા પંચાયતના કર્મચારીઓ રાખી રહ્યા છે.