
- ચૂંટણીમાં મતદાન મથક ધરાવતી શાળાઓમાં કાલે મંગળવારે રજા રહેશે,
- અગાઉ 6 બેઠકો બે બિનહરિફ થતાં બે બેઠકોની ચૂંટણી યોજાશે,
- 26મી સપ્ટેમ્બરે પરિણામ જાહેર કરાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની બે બેઠકોની ચૂંટણીનું મતદાન આવતી કાલે તારીખ 24મી, મંગળવારના રોજ થશે. આથી જે શાળાઓમાં મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. તે શાળાઓમાં કાલે મંગળવારે રજા રહેશે. જે બે બેઠકોની ચૂંટણી યોજાશે. જેમાં સંચાલક મંડળની બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠકનો સમાવેશ થયા છે. કાલે તા. 24 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાયા બાદ બે દિવસ બાદ એટલે કે 26 મી સપ્ટેમ્બરે મતગણતરી કરવામાં આવશે. ત્યારબાદ ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી માટે સરકારી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત જે શાળાઓમાં મતદાન મથક રાખવામાં આવ્યા છે ત્યાં પણ 24 સપ્ટેમ્બરના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે આદેશ કરાયો છે. મતદાન મથકના દિવસે સવારના 8થી 5 વાગ્યા સુધી મતદાન થવાનું હોવાથી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખી જાણ કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ 6 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જ્યારે વાલી મંડળની બેઠક પર એક પણ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા ન હોવાથી આ બેઠક પર ચૂંટણી યોજાવવાની નથી જ્યારે બે બેઠકો માટે 24 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે. જેમાં સરકારી શાળાના શિક્ષકો માટેની બેઠક પર ચાર ઉમેદવારો છે. જ્યારે સંચાલક મંડળની બેઠક પર 3 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વિવિધ કમિટીઓની રચના કરવામાં આવે છે. આ કમિટીઓની ચૂંટણી નિયત કરેલા સમયાંતરે કરવામાં આવે છે. હાલમાં શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ઉમેદવારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આથી આગામી તારીખ 24મી, મંગળવારના રોજ સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાશે. જોકે સામાન્ય ચૂંટણી માટે દરેક જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો, સંચાલકો, આચાર્યો, વાલીઓ સહિત મતદાન કરી શકે તે માટે મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જોકે શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી માટે ઉભા કરાયેલા મતદાન મથકો સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતું અમુક જિલ્લામાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના બિલ્ડીંગોમાં પણ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.