અમદાવાદમાં વાળીનાથ ચોક નજીક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા દંપત્તી પટકાયું, મહિલાનું મોત
- એક્ટિવાસવાર મહિલા પર ડમ્પરના તોતિંગ ટાયર ફરી વળ્યા
- ચાંદલોડિયામાં રહેતુ દંપત્તી એક્ટિવા પર જમાઈની ખબર કાઢવા જઈ રહ્યા હતા,
- એએમસીના ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એએમસીના ડમ્પર અને સ્કૂટર વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. શહેરના વાળીનાથ ચોક પાસેથી એક્ટિવા પર દંપતી જઈ રહ્યું હતું. ત્યારે પૂર ઝડપે આવેલા ડમ્પરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા દંપત્તી રોડ પર પટકાયુ હતું. અને એક્ટિવા સવાર મહિલા પર ડમ્પરનું પાછળનું વ્હીલ ચડી જતાં માથું છુંદાઈ જતા સ્થળ પર જ મોત થયું હતું.અકસ્માત અંગે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ચાંદલોડિયામાં રહેતા 45 વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ ગત 13 ડિસેમ્બરે સાંજે પતિ મનોજભાઇ સાથે એક્ટિવા પર પાંજરાપોળ ખાતે આવેલી હોસ્પિટલમાં જમાઇની ખબર પૂછવા જતા હતા. ત્યારે વાળીનાથ ચોક બીઆરટીસ બસ સ્ટેન્ડ પાસે પહોચતી વખતે એએમસીના ડમ્પરચાલકે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયુ હતુ.ગાયત્રીબેન નીચે પડતા ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળતા માથું છુંદાઇ જતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ, જ્યારે મનોજભાઇને સામાન્ય ઇજા પહોંચી હતી.
આ અકસ્માતના બનાવની જાણ થતા બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.અકસ્માતમાં મૃત્યુ પામનાર ગાયત્રીબેન ઘરકામ કરે છે તેમને 12 વર્ષની અને 23 વર્ષની બે દીકરીઓ છે.અકસ્માતમાં દીકરીઓએ તેમની માતા ગુમાવ્યા છે.અકસ્માતમાં મનોજભાઇને ઇજા થતા સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.


