- AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે
- 5 દિવસમાં તમામ વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ અપાયો
- બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કરવા, અને બિન જરૂરી દસ્તાવેજો દૂર કરવા સુચના અપાઈ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને એઆઈ આધારિત બનાવવામાં આવી રહ્યું છે. તેથી સરકારના તમામ વિભાગોને 5 દિવસમાં તમામ ડેટા અપડેટ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર હવે બધા કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા એઆઇ (AI) આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે.
સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકાર માટે પોર્ટલને કાર્યક્ષમ બનાવવા માટે તમામ વિભાગોને પાંચ દિવસની અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગૂગલ શીટમાં અપડેટ કરવા તાકીદના આદેશો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયે દરરોજ પ્રગતિની સમીક્ષા શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના તમામ વિભાગોને પોર્ટલ માટે જરૂરી માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. દરેક વિભાગને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો છે. એમાં બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કરવા, જૂના, રદ કરાયેલા અને બિનઅસરકારક દસ્તાવેજો દૂર કરવા, મહત્ત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવા આદેશ કરાયો છે.
રાજ્ય સરકારના સેન્ટ્રલ પોર્ટલના આધારે સામાન્ય નાગરિકને જરૂરી દસ્તાવેજની જ્યારે જરૂર પડે ત્યારે એક ક્લિકમાં મળી રહેશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધશે. બેવડાં ઠરાવો અને ગૂંચવણ દૂર થશે. એઆઈ આધારિત સર્ચથી ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. CMO દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે અને દૈનિક મોનિટરિંગ થઈ રહ્યું છે, તેથી વિભાગો ભારે દોડધામમાં લાગી ગયા છે. આ પોર્ટલ શરૂ થયા પછી રાજ્યના તમામ કાયદા અને શાસન નિર્ણયો એક જ પ્લેટફોર્મ પર સરળ શોધ વ્યવસ્થા સાથે ઉપલબ્ધ થઈ જશે, જે ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે.


