
નવી દિલ્હીઃ સોમવારે સવારે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પરની એક પોસ્ટમાં કહ્યું કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેમણે દરેકને શાંત રહેવા અને સલામતીના પગલાંનું પાલન કરવા તેમજ સંભવિત ભૂકંપ આંચકાઓ માટે સતર્ક રહેવા વિનંતી કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ધૌલા કુઆનના લેક પાર્ક વિસ્તારમાં હતું અને ભૂકંપ પછી કેટલાક લોકોએ જોરદાર અવાજ સાંભળ્યો હોવાના અહેવાલો છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, સવારે 5:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
‘X’ પરની એક પોસ્ટમાં, દિલ્હી પોલીસે કહ્યું, “અમને આશા છે કે તમે બધા સુરક્ષિત હશો, દિલ્હી!” દિલ્હી પોલીસે લોકોને કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઇન નંબર 112 પર કૉલ કરવા પણ વિનંતી કરી હતી. ભૂકંપના જોરદાર આંચકાને કારણે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં બહુમાળી ઇમારતોમાં રહેતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં હમણાં જ એક જોરદાર ભૂકંપ આવ્યો છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બધા સુરક્ષિત રહે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું.
દિલ્હી-એનસીઆરના લોકોએ આજે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા હતા. માત્ર ધ્રુજારી જ નહીં, પરંતુ ભૂકંપના જોરદાર ગડગડાટથી પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સવારે 5.36 વાગ્યે જોરદાર ગર્જના સાથે ધરતી ધ્રુજવા લાગી અને લગભગ દસ સેકન્ડ સુધી ધ્રુજારી અનુભવાતી રહી હતી.