1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ
અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ

અમદાવાદના સરખેજમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી પકડાઈ

0
Social Share
  • પોલીસે બોટલો, કેમિકલ, મોટા બેરલો અને દારૂની કંપનીનાં સ્ટીકરો જપ્ત કર્યા,
  • બોટલો પર બ્રાન્ડેડ કંપનીઓના રેપર લગાવીને નકલી દારૂ ભરી વેચાણ કરતા હતા,
  • ત્રણ મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હતો

અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાયે રોજબરોજ લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાય છે. બુટલેગરો હવે પરપ્રાંતમાંથી વિદેશી દારૂ લાવવાને બદલે બ્રાન્ડેડ કંપનીના સ્ટિકર લગાવીને નકલી વિદેશી દારૂ બનાવવા લાગ્યા છે. અમદાવાદ શહેરના સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં કેમિકલયુક્ત નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો પર્દાફાશ સરખેજ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે ઘરમાં નકલી દારૂ બનાવવા માટે દારૂની બોટલો, કેમિકલ, મોટા બેરલો અને દારૂની કંપનીનાં સ્ટિકરો સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ત્રણ મહિનાથી મકાન ભાડે લઈને દારૂ બનાવવામાં આવતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તમામ મુદ્દા માલ જપ્ત કરી નકલી દારૂ બનાવતો આરોપી અખ્તર અલી સૈયદની શોધખોળ શરૂ કરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના સરખેજ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બાતમી મળી હતી કે, સરખેજ ફતેવાડી પાસે આવેલી મહંમદની સોસાયટી વિભાગ-1માં 58 નંબરના મકાનમાં નકલી દારૂ બનાવવામાં આવી રહ્યો છે, જેથી સરખેજ પીઆઇ એસ. એ. ગોહિલ અને સર્વેન્સ કોડના પીએસઆઇ તથા કર્મચારીઓ દ્વારા સોસાયટીમાં આવેલા મકાનમાં પહોંચ્યા હતા, જોકે મકાન બંધ હાલતમાં હતું, જેથી મકાનના માલિક ખાન પઠાણને બોલાવવામાં આવ્યા હતા. તેમની હાજરીમાં પોલીસે મકાન ખોલીને તપાસ કરતાં અલગ અલગ બનાવટની દારૂની 33 બોટલ, આલ્કોહોલ મીટર, 10 લિટરની ક્ષમતાની કાળા કલરના પ્રવાહી ભરેલી બોટલ, અલગ અલગ બ્રાન્ડનાં ખાલી પૂઠાનાં બોક્સ, મયૂર મેજિક કંપનીના ફૂડ ફ્લેવરની નાની ચાર બોટલો, ઢાંકણ વગરની બોટલો અને આલ્કોહોલિક પ્રવાહી ભરેલા મોટા વાદળી કલરના બેરલો તેમજ અલગ અલગ સ્ટિકરો મળ્યાં હતાં.

પોલીસે મકાનમાલિકની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ગોમતીપુર વિસ્તારમાં નાગપુર વોરાની ચાલીમાં રહેતા અખ્તર અલી સૈયદ નામની વ્યક્તિને ત્રણ મહિના પહેલાં આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું. ઘરમાંથી મળી આવેલા સામાન પરથી પોલીસને જાણવા મળ્યું હતું કે અખ્તર અલી આ મકાન ભાડે રાખીને જગ્યામાં કેમિકલ મિશ્રણવાળો દારૂ બનાવી બોટલમાં ભરીને વેચાણ કરતો હતો. અલગ અલગ કંપનીના લેબલ સ્ટિકરનો ઉપયોગ કરી નકલી દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચાણ કરતો હતો. પોલીસે રૂ. 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અખ્તર અલીની શોધખોળ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code