- દિવાળી પછી સહકારી મંડળીઓ અને સંઘોમાં ખાતરનો જથ્થો આવ્યો નથી,
- યુરિયા ખાતની તંગીથી ખેડૂતો ખાનગી કંપનીઓના ખાતર લેવા મજબુર બન્યા,
- તાત્કાલિક યુરિયા ખાતરનો પુરવઠો પૂરો પાડવા કોંગ્રેસે માગ કરી
ભૂજઃ ગુજરાતમાં બનાસકાંઠા બાદ કચ્છમાં ડીએપી અને યુરિયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. રવિ સીઝન ટાણે જ ખેડૂતોને રાસાયણિક ખાતર માટે વિતરણ કેન્દ્રોના ધક્કા ખાવા પડે છે. જેના કારણે ખેડૂતો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે. ખાતરની તંગી અંગે ખેડૂતો રજુઆત પણ કરી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ખેડૂતોને તાત્કાલિક ખાતરનો પુરવઠો પૂરો પાડવાની માગ કરી હતી.
સૂત્રોના કહેવા મુજબ કચ્છમાં દિવાળી પછી સહકારી મંડળીઓ અને સંઘોમાં ખાતરનો જથ્થો આવ્યો નથી અને આવે ત્યારે ખેડૂતો ખાતર માટે લાંબી લાઈનો લગાવે છે. આ પરિસ્થિતિ કચ્છમા છેલ્લા ત્રણ વર્ષથી સર્જાઇ છે તેમ છતાં સરકારનું પેટનું પાણી હલતુ નથી. ખેડૂતો ખાનગી કંપનીઓના એન.પી.કે ખાતર લેવા મજબુર બને છે. ખાતરનો જથ્થો ન આવવાના કારણે સેવા સહકારી મંડળીઓમાં કર્મચારીઓના પગાર પણ નીકળતા નથી.
કચ્છ જિલ્લામાં રાસાયણિક ખાતરની અછત બાબતે ધારાસભ્યો અને સાંસદ ચુપ છે અને સરકાર સમક્ષ રજુઆત પણ કરતા નથી તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વી. કે. હુંબલે જણાવ્યું હતું. યુરીયા ખાતર ખેડૂતોને મળવાના બદલે પ્લાયની ફેક્ટરીઓમાં વેચાય છે, જેમાં પણ કચ્છ ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. જ્યારથી ભાજપની સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી ઇફકો અને ક્રીભકો જેવી સંસ્થાઓ માત્ર ડીરીક્ટરોને જલસા કરાવે છે.
ખેડૂતોનો આવાજ અને તકલીફો સંસ્થાઓ સુધી પહોંચતો નથી. દેશના સહકાર મંત્રી પણ અમિત શાહ છે તેમ છતા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. કમોસમી વરસાદના કારણે પણ નુકસાન છે તેથી ખેડૂત અત્યારે ખુબ દયનીય હાલતમાંથી પસાર થઈ રહ્યો છે.


