
- થરાદ, કાંકરેજ અને દીઓદરના ખેડૂતોએ યોગ્ય વળતર આપવાની માગ કરી,
- સરકાર દ્વારા 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરવામાં આવ્યું હોવાની રાવ,
- ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયાનો આક્ષેપ
અમદાવાદઃ થરાદથી અમદાવાદ સુધી ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન ચુકવાની ફરિયાદો ઊઠી છે. જેમાં થરાદ, કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ અપુરતુ વળતર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં દિયોદરના સણાદર ગામે આવેલા અંબાજી મંદિર ખાતે ત્રણેય તાલુકાના ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂતોએ સરકારને આવેદન પાઠવી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી.
ભારતમાલા હાઈવે માટે જમીન આપનારા ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરવામાં આવ્યું છે. હાલના બજાર ભાવની સામે આ ભાવ ઘણો ઓછો છે. બિનખેતી જમીનનો દર 4300 રૂપિયા પ્રતિ ચોરસ મીટર નક્કી થયો છે. જ્યારે ખેતીની જમીનનો દર 22થી 30 રૂપિયા પ્રતિ ચોરસ મીટર રાખવામાં આવ્યો છે. આમાં મોટો તફાવત છે. ખેડૂતોના મતે, આ નીતિ ભેદભાવભરી છે. સરકારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લીધો છે. આથી ખેડૂતોની માંગ છે કે, હાલના તમામ એવોર્ડ રદ કરવામાં આવે. અને ન્યાયિક સમિતિ દ્વારા પુનઃતપાસ કરવામાં આવે. આજના તાજા બજાર ભાવના આધારે નવી જંત્રી નક્કી થાય. અને ખેતી અને બિનખેતી જમીન માટે એકસરખો ભાવ નક્કી કરવામાં આવે. તથા નુકસાનગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવાર માટે પુનઃ વસવાટ અને જીવિકા માટે વિકલ્પો ઉભા કરવામાં આવે. તેમજ મકાન, વૃક્ષો અને ટ્યુબવેલ સહિતના તમામ મુદ્દાઓનો સમાવેશ કરીને નવી જંત્રી મુજબ એવોર્ડ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
દિયોદરના સણાદર ગામે ત્રણ તાલુકાના એકઠા થયેલા અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો યોગ્ય વળતર નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અગાઉ પણ આ અંગે સરકારને રજુઆતો કરવામાં આવી હતી. પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. (FILE PHOTO)