
MMCJ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન કરાયું
અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પત્રકારત્વ વિભાગના (MMCJ)સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે તારીખ 04 એપ્રિલ 2025ના રોજ ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન થયું હતું. “10th બોલે તો..” શિર્ષક હેઠળ યોજવામાં આવેલા પપેટરી વર્કશોપમાં ચિરાગભાઈ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પપેટ શોના ઉદભવ, કારણો અને સામાજીક અસરો વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પપેટરીના વરિષ્ઠ કલાકાર એવા રમેશ રાવલ (દાદા) દ્વારા પપેટ કેવી રીતે બને અને કાર્ય કરે તે વિશે સમજ આપવામાં આવી હતી.
પ્રત્યાયન અને સંદેશની પ્રાચીન કલા પપેટ શોની વિસરાતી કળાથી પત્રકારત્વના વિદ્યાર્થીઓ અવગત થાય તે હેતુસર ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ દ્વારા પપેટરી વર્કશોપનું આયોજન થયું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહ સાથે જોડાયા હતા અને પ્રાચીન કળાથી અવગત થયા હતા. મહત્વની વાત છે કે આ વર્કશોપમાં પપેટ શો મારફતે વિવિધ પરીક્ષાઓમાં સારા માર્કસ મેળવવાના નામે બાળકો પર વાલી દ્વારા સર્જવામાં આવતા દબાણને દૂર કરવા અને વિદ્યાર્થીને આવા દબાણથી વશ નહીં થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
જેમાં વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ ડૉ.ભરત જોશી દ્વારા જણાવવામાં આવ્યું કે, શિક્ષણનો સાચો અર્થ જ કોમ્યુનિકેશન છે. જ્યારે આપણે કોઈને શિક્ષિત કરીએ છીએ તો તેના માટે કોમ્યુનિકેશન જ હોય છે. આ ઉપરાંત પપેટના વિષયને અનુલક્ષીને જણાવ્યુંહતું કે, સ્ટ્રેસ કોઈના દ્વારા આપવામાં આવતો નથી પરંતુ આપણે જ આપણા મગજમાં ઊભી કરેલી વસ્તુ છે.
આ પપેટરી વર્કશોપમાં મુખ્ય મહેમાન તરીકે મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલપતિ ડૉ.ભરત જોશી તેમજ પત્રકારત્વ વિભાગના મુખ્ય અધ્યાપક ડૉ. સોનલ પંડ્યા, સહ અધ્યાપક ડૉ. કોમલ શાહ અને ડૉ. ભૂમિકા બારોટ ઉપસ્થિત રહ્યા હતા.