- ફાયર ટીમે ગેસ સિલિન્ડરોને બહાર કાઢી લેતા મોટી દુર્ઘટના ટળી,
- વાહનોની સાથે ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ સળગી ગયો,
- શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલા મહાવીર સર્કલ નજીક ગેલ અંબે ઓટો ગેસ ગેરેજમાં ગત મોડી રાતે આગ ફાટી નિકળતા ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવેલી લાખોની કિંમતની લક્ઝરી કારો સહિત અન્ય વાહનોને નુકશાન થયું હતું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ, શહેરના નાના વરાછા વિસ્તારમાં મહાવીર સર્કલ નજીક ગેલ અંબે મોટર્સ નામનું ગેસ ગેરેજ રોહિત ઇટાલીયા, ભરત વેકરીયા અને રાજનની માલિકીનું છે. રાત્રિના સમયે અચાનક ગેરેજમાં આગ ભભૂકી ઉઠી હતી. રાત્રે કારો ગેરેજમાં મૂકવામાં આવેલી હોવાથી અને કોઈની અવરજવર ન હોવાથી આગ શાંતિથી પ્રસરી હતી. આગના કારણે ગેરેજમાં મૂકવામાં આવેલી મોંઘીદાટ કારોને સારૂએવુ નુકસાન થયું છે. જેમાં મર્સિડીઝ, સ્કોડા, અને ઇનોવા જેવી કારો સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગઈ હતી. આ ઉપરાંત, બે મોપેડ પણ બળી ગયા હતા. વાહનોની સાથે ગેરેજમાં રાખેલો અન્ય સામાન પણ સળગી ગયો હતો. મોંઘી કારોને થયેલા નુકસાનને કારણે માલિકોને આર્થિક મોટો ફટકો પડ્યો છે.
ફાયપ બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેરેજ ગેસ સંબંધિત કામકાજ કરતું હોવાથી અહીં ગેસના સિલિન્ડર રાખવામાં આવ્યા હતાં. આગની જાણ થતાં જ પુના, સરથાણા, કાપોદ્રા અને અશ્વિનીકુમાર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે-સાથે તાત્કાલિક ગેરેજની અંદર રાખેલી ગેસની એક મોટી બોટલ અને એક નાની બોટલને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. ગેસ સિલિન્ડરોને સમયસર બહાર કાઢી લેવાતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટનામાં માત્ર માલ-સામાનને જ નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે.


