
- મકાનના ત્રીજા માળે ગમને મિક્સિંગ કરવા કેમિકલ નાંખતા આગ ફાટી નિકળી,
- યુનિટમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું,
- બનાવની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો
સુરતઃ શહેરના સીમાડા નાકા વિસ્તારમાં વાલમનગરના એક ત્રણ માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. મકાનના ત્રીજા માળ ઉપર આગ લાગતા ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો. મકાનમાં ટેક્સ્ટાઇલના જોબવર્કનું કામ ચાલતું હતું. તે દરમિયાન આ ઘટના બની હતી, અંદર કામ કરતા પાંચ લોકો દાઝી ગયા હતા. તેમજ એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત શહેરના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનારી મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી. ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું. જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો. આ ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આ ઘટના બની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ ફાયર ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું હતુ. અને પાંચ લોકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.