1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ફ્લોરાઈડ સમસ્યા વકરી, 25 જિલ્લાના ભૂગર્ભજળ પીવા લાયક નથી
ગુજરાતમાં ફ્લોરાઈડ સમસ્યા વકરી, 25 જિલ્લાના ભૂગર્ભજળ પીવા લાયક નથી

ગુજરાતમાં ફ્લોરાઈડ સમસ્યા વકરી, 25 જિલ્લાના ભૂગર્ભજળ પીવા લાયક નથી

0
Social Share
  • પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધતા બીમારીનું પ્રમાણ વધ્યુ,
  • સતત ખેંચાતા ભૂગર્ભ જળને લીધે ફ્લારાઈડનું પ્રમાણ વધ્યું,
  • સરકારે સતત ખેંચાતા ભૂગર્ભ જળ પર અંકુશ મુકવો જરૂરી

અમદાવાદઃ ગુજરાતમાં આમ તો વર્ષોથી ફ્લોરાઈડની સમસ્યા છે, વર્ષો પહેલા મહેસાણા જિલ્લામાં ફ્લોરાઈની સમસ્યાને લીધે લોકોને અનેક બિમારીમાં ભોગ બનવું પડતું હતું. હવે તો રાજ્યના 25 જિલ્લામાં ફ્લોરાઈડને લીધે ભૂગર્ભ જળ દૂષિત બન્યા છે. પાણીના તળ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે. આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઉંચા આવી શક્યા નથી. ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી. તાજેતરમાં સંસદમાં કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.

ગુજરાતમાં સરકારની લાપરવાહીથી ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો 100 ફુટ પછી પણ પાણી નથી. ખેડુતો 500થી 1000 ફુટના બોર કરીને સતત પાણી ખેંચી રહ્યા છે. ત્યારે નિષ્ણાતોનું કહેવુ છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખુટી જશે તે દિવસો દૂર નથી. તાજેતરમાં રાજ્યસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધાં હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા હોવાનુ માલુમ પડ્યું હતું.  ગુજરાતમાં કુલ મળીને 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે. જેમાં અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થાય છે.  ફ્લોરાઇડની મર્યાદા સ્વિકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. જેમ કે ફ્લોરાઈડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે. ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા, દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code