
પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે PM મોદીએ અમિત શાહને ફોન કરીને પગલા લેવા સૂચન કર્યું
- અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી
- જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક હુમલામાં બે પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 12 વ્યક્તિ ઘાયલ થયાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી અને તેમને તમામ યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. આ સાથે, પ્રધાનમંત્રીએ ગૃહમંત્રીને ઘટનાસ્થળની મુલાકાત લેવા પણ કહ્યું છે. આ ઘટનાને પગલે અમિત શાહ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પહેલગામના બેસરનમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતા. આ બનાવને પગલે ગૃહમંત્રી અમિત શાહે એક કટોકટી બેઠક બોલાવી છે. બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ડીજીપી વર્ચ્યુઅલી જોડાયેલા હતા. દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. “મને ખૂબ જ આઘાત લાગ્યો છે,” ઓમરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. અમારા મુલાકાતીઓ પરનો આ હુમલો એક ઘૃણાસ્પદ કૃત્ય છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય અધિકારીઓને પહેલગામમાં દાખલ થયેલા લોકોને તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. એક ઘાયલ પ્રવાસીને જીએમસી અનંતનાગ ખાતે લઈ જવામાં આવ્યો છે. હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.