
અમદાવાદઃ રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું નવી શિક્ષણ નીતિ મુજબ મૂલ્યાંકન કેવી રીતે કરવું તે માટે રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ પોતાની ભલામણો સરકારને સુપરત કરશે. ત્યારબાદ સરકાર કમિટીની ભલામણને આધારે એનો અમલ કરશે.
પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે નિષ્ણાંતોની એક કમિટી બનાવવામાં આવી છે. આ કમિટી દ્વારા અભ્યાસ કરીને મે- 2025 સુધીમાં પોતાની ભલામણો સુપરત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા તે અંગે નિર્ણય કરશે અને નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. તાજેતરમાં એકમ કસોટીને લઈને ભારે વિરોધ થયો બાદ સરકાર દ્વારા કમિટીની રચનાની ખાતરી આપી હતી. જેમાં એકમ કસોટી ઉપરાંત અન્ય મૂલ્યાંકનનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ કમિટીમાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવામાં આવતી હતી. એકમ કસોટી દર સપ્તાહે શનિવારના રોજ લેવાતી હતી. જોકે, એકમ કસોટીને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધનો વંટોળ ઊભો થયો હતો. શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારી દ્વારા પણ એકમ કસોટી રદ કરવાની તરફેણ કરી હતી અને તેના વિરોધમાં એક દિવસ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. જેના પગલે સરકાર દ્વારા એમ કસોટીને લઈને વિચારણા શરૂ કરી હતી. દરમિયાન, તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદેદારો ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એકમ કસોટીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિવિષ રજૂઆતોના પગલે શિક્ષણણંત્રી દ્વારા એકમ કસોટીને લઈને એક કમિટીની રચના કરવાનું નક્કી કરાયું હતું.
જોકે, હવે GCERT દ્વારા પરિપત્ર કરી નવી શિક્ષણ નીતિ-2020 અન્વયે બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકન માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી શાળામાં અભ્યાસ કરતા બાળકોના મૂલ્યાંકનને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે. આ માટે સરકાર દ્વારા કમિટીને મે-2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે, હવે કમિટી 3 માસમાં મૂલ્યાંકનને લઈને સમગ્ર બાબતોની છણાવટ કરી પોતાનો અહેવાલ સુપરત કરશે. આ અહેવાલ સરકારને મળ્યા બાદ થોડા જ – દિવસમાં તેના અમલને લઈને જાહેરાત કરાશે.