રાજકોટ, 04 માર્ચ 2026: Four killed as truck hits rickshaw શહેર નજીક મેટોડા જીઆઈડીસી પાસે ગત મોડી રાતે પૂરફાટ ઝડપે ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષામાં પ્રવાસ કરી રહેલા રિક્ષાચાલક સહિત ચારના મોત નિપજ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકીને નાસી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પોલીસે ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીની ધરપકડ કરી હતી. આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને FSL તેમજ RTOની મદદ લઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની વિગત એવી છે કે, રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલા મેટોડા GIDC ગેઇટ નંબર 3માં આવેલા યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક ગઈ રાત્રિના 10 વાગ્યા આસપાસ પૂરફાટ ઝડપે ટ્રકે રિક્ષાને અડફેટે લીધી હતી, ટ્રક (જીજે.03.બીવાય.8889)ની ટક્કરથી રિક્ષા (જીજે.03.બીએક્સ.5656)નો બુકડો બોલી ગયો હતો.ઓટો રિક્ષામાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક મળી કુલ 3 મુસાફરો બેઠા હતા જે તમામ અને રિક્ષા ચાલક મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ઓટો રિક્ષા શ્રીરામ હોસ્પિટલ પાસેથી પસાર થઇ ગેઇટ નંબર 3માં જતી હતી દરમિયાન અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) જે પોતે મેટોડા GIDC વિસ્તારમાં આવેલા મચ્છોનગર વિસ્તારમાં જ રહેતો હોવાનું અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. મૃતક રિક્ષા ચાલક એક બેન ત્રણ ભાઇમાં મોટો હતો અને તેને સંતાનમાં બે દીકરી હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.
આ અકસ્માતમાં બે સગા ભાઈઓ અને એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા તેમના પણ મોત નિપજ્યા છે જેમાં વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજય સવસીભાઇ ગાંગડિયાનો સમાવેશ થાય છે.જેઓ પણ મેટોડા GIDC વિસ્તારમાં જ આવેલ રોટરી ક્લ્બ નજીક રહેતા હોવાનું સામે આવ્યું છે. મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતા અને અહીંયા પેઈન્ટર તરીકે મેટોડા અને આસપાસમાં પેઇન્ટિંગ કામ કરતા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, DYSP કે જી ઝાલા સહિત મેટોડા પોલીસ તેમજ LCB ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલ મેટોડા પોલીસે ચારેય મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


