
- મહાપાલિકા વિસ્તાર બહાર લેવાતા ફાયર વિભાગના ચાર્જિસ રદ કરાયા,
- રાજકીય પક્ષોની જાહેર સભામાં મંડપ કે ડોમની સાઈઝ મુજબ ચાર્જ વસુલાશે,
- મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો
ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈનું બેસણું હશે તો મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવનો નિર્ણય લેવામાં આવ્યો છે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમા આ નિર્ણય લેવામાં આવ્યા હતો,
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં મ્યુનિની હદ બહારના વિસ્તારમાં લેવાતા ફાયર વિભાગના ચાર્જિસ રદ કરાયા હતો. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે ઠરાવ કરાયો હતો કે, મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારની બહાર આગ બુઝાવવા કે બચાવ કામગીરી માટે અગાઉ ચાર્જ લેવાતા હતા. કેનાલમાં કે નદીમાંથી શબ બહાર કાઢવા કે વ્યક્તિને બચાવવા ગાંધીનગર મ્યુનિ દ્વારા ચાર્જ લેવાતો હતો. અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કરી ચાર્જ નક્કી કર્યા હતા. આજે આ ચાર્જ વસૂલ કરવા અંગેનો જૂનો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીએ રદ કર્યો છે. વિવાદ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચનાથી ઠરાવ રદ કર્યો છે. હવેથી આવા ચાર્જ વસૂલાશે નહીં,
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ગાંધીનગર શહેરમાં હવે રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈનું બેસણું હશે તો મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવો પડશે. મ્યુનિના વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું ટેમ્પરવરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તો તે માટે મ્યુનિ. કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે. મ્યુનિ. કોર્પોરેશનને મંજૂરી સાથે એના માટે નિયત કરેલા દરની ચૂકવણી પણ કરવી પડશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે, ડોમ ઊભા કરી થતી જાહેરસભા તથા કાર્યક્રમોનો અલગથી ચાર્જ વસૂલવામાં આવશે. ડોમ બનાવીને થતી જાહેરસભા, જાહેર કાર્યક્રમોનો ચાર્જ પણ વસૂલાશે. ડોમના વિસ્તારના આધારે મ્યુનિ. દ્વારા ચાર્જ નક્કી કરશે અને વસૂલાશે. મ્યુનિના સ્ટ્રક્ચરલ એન્જીનિયરને આ જવાબદારી સોંપાશે. મોટા ડોમની સુરક્ષા સહિતના પ્રશ્નોને લઈ આ નિર્ણય કરાયો છે. કુલ ક્ષેત્રફળના પ્રતિ સ્ક્વેર મીટર કુલ એસ્ટિમેટના 25 ટકા વહીવટી ચાર્જ વસૂલાશે.