
યોગ્ય આહાર અને ઘરેલુ ઉપચારથી મેળવો ચમકતી ત્વચા
આજના સેલ્ફીના યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઇચ્છા રાખે છે. સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો મૂકવાનો શોખ ઘણા લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ ચમકતી ત્વચા માટે વારંવાર બ્યુટી પાર્લરની મુલાકાત લે છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘી કોસ્મેટિક પ્રોડક્ટ્સ ફક્ત થોડા સમય માટે સુંદરતા આપે છે, જયારે યોગ્ય અને ઘરેલુ ઉપચાર લાંબા ગાળે ત્વચાને નિખાર આપે છે.
- ત્વચાની ચમક વધારનારા આહાર
ગાજર : તેમાં રહેલું બીટા-કેરોટીન શરીરમાં વિટામિન Aમાં રૂપાંતરિત થાય છે, જે ત્વચાના કોષોને રિપેર કરીને અંદરથી સ્વસ્થ રાખે છે.
આમળાં : એક પ્રાચીન આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે. શક્તિશાળી એન્ટિ-ઓક્સિડન્ટના કારણે દરરોજ આમળાનું સેવન ત્વચાને કુદરતી ચમક આપે છે.
બદામ : વિટામિન Eથી સમૃદ્ધ બદામ ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપે છે અને તેને ભેજયુક્ત રાખે છે.
ટામેટાં : તેમાં રહેલું લાઇકોપીન સૂર્યના હાનિકારક કિરણોથી રક્ષણ આપે છે અને ત્વચાને નિખાર આપે છે.
- આટલી રાખો કાળજી
સૂર્યપ્રકાશથી બચવું જરૂરીઃ સૂર્યના કિરણોના સંપર્કમાં આવતાં ત્વચા ટેનિંગ થઈ જાય છે. તેથી બહાર જતાં પહેલા SPFવાળું સનસ્ક્રિન લોશન ચહેરા પર લગાવવું આવશ્યક છે.
મન શાંત, ચહેરો ચમકદારઃ ત્વચાની સુંદરતા ફક્ત બાહ્ય સંભાળ પર આધારિત નથી. લાંબા સમય સુધી નિખાર માટે ધ્યાન, યોગ અને સંગીતનો સહારો લેવો જોઈએ. માનસિક તણાવ ઘટતા ચહેરા પર કુદરતી ચમક જોવા મળે છે.
તળેલા ખોરાક અને જંકફૂડને દૂર રાખીને તાજાં ફળો અને રસનો સમાવેશ કરવાથી ત્વચા પર સકારાત્મક અસર પડે છે. સાથે જ, ચણાનો લોટ, દહીં અને મધમાંથી બનતા ઘરેલુ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા સ્વચ્છ રહે છે અને કરચલીઓ દૂર થાય છે. નિષ્ણાતોના મત અનુસાર, કુદરતી ઉપચાર અને સ્વસ્થ આહાર જ લાંબા સમય સુધી ચમકતી અને તંદુરસ્ત ત્વચા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે.