 
                                    ગુજરાત: ગ્રામીણ સ્તરે નાગરિકોને ઘર આંગણે વિવિધ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પહેલ
ગાંધીનગરઃ દેશભરમાં 14 થી 20 નવેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય સહકાર સપ્તાહ’ ઉજવાઈ રહ્યું છે ત્યારે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં રાજ્યમાં કાર્યરત સહકારી મંડળીઓએ ખેડૂતો અને મંડળીના સભાસદોને આર્થિક રીતે ખૂબ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગ્રામીણ વિકાસ અંતર્ગત ઇ-સેવાઓ વધુ સારી રીતે મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પેક્સને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે કોર બેન્કિંગથી જોડવા પેક્સ કોમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં 5754 પેક્સને કમ્પ્યુટર હાર્ડવેર પુરા પાડવામાં આવ્યા છે તથા તેના સોફ્ટવેરની કામગીરી પ્રગતિમાં છે. આ કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ થશે ત્યારે તમામ પેક્સના હિસાબો ઓનલાઈન ઉપલબ્ધ થશે.
આ ઉપરાંત કોમન સર્વિસ સેન્ટર-CSCsની કામગીરી “પ્રાઇમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ” એટલે કે PACS-પેક્સ મારફતે થાય તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામીણ સ્તરે પેક્સ અંતર્ગત CSC કેન્દ્ર માટે ભારત સરકારની પહેલ થકી નાગરિકો તેમના રેશન કાર્ડ, નવું ડ્રાઇવિંગ લાઇસન્સ અને જૂનું લાયસન્સ રિન્યૂ કરવા, આધારકાર્ડમાં સુધારા-વધારા, જન્મનું પ્રમાણપત્ર જેવી વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરી શકે છે. વિવિધ સ્થળોએ રોજગાર માટે ઓનલાઈન અરજી, વિવિધ પ્રકારના બિલ/ટેક્ષ બિલ/લાઇટ બિલ, મોબાઇલ બિલ વગેરે સ્થાનિક સ્તરે સેવાઓ મળવાથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોના સમયનો બચાવ થઈ રહ્યો છે.
આ તમામ પ્રકારની ડિજિટલ સેવાઓ દેશના સર્વાગી વિકાસને વધુ વેગ આપવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ યોજના હેઠળ રાજ્યમાં 3277 પેક્સ ઓનબોર્ડ થયા છે, જેમાંથી 1916 પેક્સ હાલમાં કાર્યરત છે.
પેક્સ માટે પેટ્રોલ અને ડીઝલના વિતરણ તરીકેની પાત્રતાના માપદંડો સુધારવામાં આવ્યા છે. જે અંતર્ગત પેક્સનો સમાવેશ CC2 કેટેગરીમાં કરવામાં આવ્યો છે. જેના પરિણામે મંડળીઓ સરળતાથી પેટ્રોલ અને ડીઝલની નવી ડીલરશીપ મેળવી શકશે. આ ઉપરાંત બલ્ક ડિલરશીપ ધરાવતી પેક્સને રીટેલ ડીલરશીપમાં ફેરવવા પણ પ્રાધન્ય આપવામાં આવ્યુ છે. ભારત સરકારની પહેલ બાદ રાજયમાં હાલમાં એક પેક્સ દ્વારા નવા પેટ્રોલ પંપની કામગીરી શરૂ કરાઇ છે જ્યારે 9 જેટલી પેક્સના બલ્ક પેટ્રોલ પંપને રીટેલ પેટ્રોલ પંપમાં ફેરવવાની મંજૂરી મળી છે, જે આગામી સમયમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ સ્તરે સરળ અને ગુણવત્તાસભર દવાઓ પહોંચાડી શકાય તે માટે રાજ્યમાં અત્યાર સુધીમાં પેક્સ દ્વારા 6 જેટલા જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ સિવાય પેક્સ હવે રાજયમાં પાણી સમિતિ તરીકે કામ કરી શકે છે. અત્યાર સુધીમાં રાજયની 48 પેકસ દ્વારા આ માટે ગ્રામ પંચાયતો સાથે કરાર પણ કરવામાં આવ્યા છે, જેમાંથી 15 પેક્સ દ્વારા આ અંગેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે.
રાજયમાં સહકારના સાત સિદ્ધાંતો પૈકી એક સિદ્ધાંત મુજબ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકારની ભાવના વધે અને સહકારના નાણાકીય સ્ત્રોતોનો સહકારી સંસ્થાઓમાં જ ઉપયોગ વધે તે માટે આખા દેશમાં પ્રથમ પાયલોટ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો હતો. સહકારી સંસ્થાઓના ખાતાઓ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં ખોલાવવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજયની સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલ સભાસદોના 23 લાખથી વધુ નવા ખાતા રાજયની 18 જિલ્લા મધ્યસ્થ બેંકોમાં ખોલાવવામાં આવ્યા છે. જેના પરિણામે રાજયની સહકારી બેંકોની ડિપોઝીટમાં અંદાજે રૂ. 6,500 કરોડથી વધુનો વધારો થયો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

