ગાંધીનગર, 22 સપ્ટેમ્બર, 2026 : ‘Atal Sushasan Award’ to the best performing Karma Yogis રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ઉત્કૃષ્ટ કામગીરીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ રાજ્ય સરકારે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્કૃષ્ટ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે.
મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કાર્યરત સામાન્ય વહિવટ વિભાગ (જીએડી)ના ઠરાવ મુજબ અટલ સુશાસન પુરસ્કાર યોજના ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવેલ છે અને આગામી વર્ષોમાં પણ ચાલુ રાખવામાં આવશે. યોજનામાં કામગીરીના મૂલ્યાંકન માટેનો સમયગાળો દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે.
અટલ સુશાસન પુરસ્કાર યોજના 25 ડિસેમ્બર, 2024થી શરૂ થયેલી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતી વર્ષની ઉજવણી દરમિયાન રાજ્યમાં સુશાસનને પ્રોત્સાહન આપવા હાથ ધરાયેલી પહેલોના અનુસંધાનમાં અમલમાં મૂકવામાં આવી છે. આ રીતે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ 7 વિભાગોના 7 મહત્વના અધિકારી સંવર્ગને આવરી લઈને દર વર્ષે તેમની શ્રેષ્ઠ કામગીરીની ઓળખ, મૂલ્યાંકન અને સન્માનની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં આવશે.
‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના હેઠળ રાજ્યના કુલ 7 વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ વિભાગોમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ લોકો સાથે સીધા સંકળાયેલા અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ 7 વિભાગોમાં – 1. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ : આ વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), વર્ગ-1ને પુરસ્કાર માટે પાત્ર ગણવામાં આવ્યા છે. 2. શિક્ષણ વિભાગ : શિક્ષણ ક્ષેત્રમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO), વર્ગ-1ને પુરસ્કાર માટે આવરી લેવામાં આવ્યા છે. 3. માર્ગ અને મકાન વિભાગ: જિલ્લા સ્તરે વિકાસલક્ષી માળખાકીય કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઈજનેર (Executive Engineer), વર્ગ-1ને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. 4. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ: આ વિભાગમાં જિલ્લા પુરવઠા અધિકારી (DSO), વર્ગ-1ની કામગીરીનું મૂલ્યાંકન થશે. 5. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ: આ વિભાગમાંથી જિલ્લા રમતગમત અધિકારી (DSO), વર્ગ-2ને પુરસ્કાર માટે પાત્ર ગણવામાં આવ્યા છે. 6. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ: આ વિભાગમાં તાલુકા કક્ષાએ મહત્વની જવાબદારી સંભાળતા તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-2નો સમાવેશ કરવામાં આવ્યો છે. 7. મહેસૂલ વિભાગ: મહેસૂલ વહીવટમાં મહત્વની ભૂમિકા ધરાવતા મામલતદાર, વર્ગ-2ને પણ આ યોજના હેઠળ પુરસ્કાર આપવામાં આવશે.
આ યોજનામાં અધિકારીઓના સંવર્ગ પ્રમાણે પુરસ્કારની રકમ નક્કી કરવામાં આવી છે. વર્ગ-1ના અધિકારીઓ માટે રૂ.31,000નું રોકડ પુરસ્કાર અને વર્ગ-2ના અધિકારીઓને રૂ.21,000નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે.


