
ગાંધીનગરઃ રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેથી ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીના હસ્તે ત્રણ શ્રેષ્ઠ શાળાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. ખેલ મહાકુંભમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ત્રણ શ્રેષ્ઠ મહાનગરપાલિકા અને ત્રણ શ્રેષ્ઠ જિલ્લાઓને પણ આ ઉદ્ઘાટન સમારોહમાં મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.ગુજરાતના યુવાધનના સૌથી મોટા ઉત્સવ ‘ખેલ મહાકુંભ’નો પ્રારંભ કરાવતા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “એક તરફ ગુજરાતમાં લોકપ્રિય ઉત્સવ નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ યુવાનોનો લોકપ્રિય ઉત્સવ ખેલ મહાકુંભ આજથી શરૂ થઈ રહ્યો છે. આ એક એવી અનોખી ઘટના છે જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા નહીં મળે.”
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે ગુજરાતના 18,000 ગામડાઓમાંથી આવનારા ૭૨ લાખથી વધુ યુવાનો માટેના ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે, તે જ સંકુલના બીજા વિભાગમાં છેલ્લા ત્રણ દિવસથી 29 દેશોના 1200 જેટલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા છે. આ ગુજરાતની રમતગમત ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિ દર્શાવે છે.
ખેલાડીઓનો ઉત્સાહ વધારતા મંત્રીએ જણાવ્યું કે, “સરકાર તમારા સપના સાકાર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, તમારે બસ સપનું જોવાનું છે અને તેને પૂરું કરવા માટે સખત મહેનત કરવાની છે. સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે તમે ફરિયાદ કર્યા વગર, ટીમ સ્પિરિટ સાથે એકબીજાને મદદ કરીને સતત પરિશ્રમ કરશો.”રાજ્ય સરકારની ખેલાડીલક્ષી યોજનાઓ પર પ્રકાશ પાડતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) જેવી યોજના ચાલે છે. આ યોજના અંતર્ગત રાજ્યના 5600 પ્રતિભાશાળી ખેલાડીઓને દર વર્ષે રૂ. 1.60 લાખની આર્થિક સહાય પૂરી પાડીને ઉચ્ચ સ્તરીય તાલીમ અને સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવે છે.
યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરનું લક્ષ્ય રાખવા પ્રેરણા આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, “તમે સૌ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવો છો, એવા માઈન્ડસેટ સાથે જ રમવાની શરૂઆત કરજો. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ આપણું અંતિમ લક્ષ્ય છે. આવનારા સમયમાં જ્યારે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે, ત્યારે ખેલ મહાકુંભમાંથી તૈયાર થયેલા પ્રતિસ્પર્ધીઓને ઘર આંગણે રમવાની સુવર્ણ તક મળશે.”
અંતમાં, મંત્રીએ ખેલ મહાકુંભ જેવા ભવ્ય આયોજન પાછળ સતત કાર્યરત રહેતા રમતગમત વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ રમતોના કોચની દીન-રાતની મહેનતને બિરદાવી હતી.રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. પ્રથમ વર્ષે 16 લાખ રજિસ્ટ્રેશન સાથે શરૂ થયેલ ખેલ મહાકુંભ કોરોના કાળ સિવાય આજસુધી દર વર્ષે યોજાઈ રહ્યો છે. ખેલ મહાકુંભના મંચ પરથી આગળ વધીને રાજ્યના કેટલાય ખેલાડીઓએ દેશવિદેશમાં રાજ્યનું નામ રોશન કર્યું છે.
અશ્વિની કુમારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પણ ઈન સ્કૂલ, DLSS, શક્તિદૂત સહિતની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો થકી રાજ્યના ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ આપવા સતત પ્રયાસરત છે. રાજ્યમાં સ્પોટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી ઈકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં વિશ્વસ્તરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનો શુભારંભ કરાવ્યો છે અને ટૂંકા ગાળામાં જ આ કૉમ્પ્લેક્સમાં વિશ્વ સ્તરની સ્પર્ધાઓ યોજાઈ રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ મંત્ર સાથે યોજાનારા ખેલ મહાકુંભ 2025માં રેકોર્ડ બ્રેક 72,57,887 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં 43,83,520 પુરુષ ખેલાડીઓ અને 28,74,367 મહિલા ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. શાળા અને ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા, ઝોન કક્ષા અને રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં રાજ્યભરમાંથી ખેલાડીઓ મેડલ મેળવવા માટે મેદાનમાં ઉતરશે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા, હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય સર્વે હર્ષદભાઈ પટેલ,જીતેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઇ જૈન,રાજેન્દ્રભાઈ ચાવડા, સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી,સુરતના મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ,
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર ઓફ જનરલ સંદીપ સાગળે, વડોદરાના મ્યુનિ.કમિશનર અરુણ મહેશ બાબુ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આઈ.આર.વાળા તથા ખેલાડીઓ, કોચિસ,સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અન્ય સંસ્થાઓના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.