
- સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા,
- દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના,
- રાજ્યમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 12 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં ચોમાસાની સીઝનનો કૂલ 91.15 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે આવતી કાલ બુધવારથી 7 સપ્ટેમ્બરને રવિવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના કહેવા મુજબ, આવતીકાલ તા. 3જી સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર આપવામાં આવ્યું છે. ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. જેમાં અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાનના આગાહીકારોએ નવરાત્રિના તહેવારોમાં પણ વરસાદની શક્યતા દર્શાવી છે. સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ, 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. જો હવામાન વિભાગની આ આગાહી સાચી પડશે તો નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે અને ખેલૈયાઓને વરસાદી માહોલમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. આ કારણે ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. (file photo)