
I4C દેશમાં સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે સતત કામ કરી રહ્યું છે: અમિતાભ બચ્ચન
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનને સાકાર કરતાં ગૃહ મંત્રાલય દેશમાં એક સુરક્ષિત સાયબર સ્પેસનું સર્જન કરવાનો સંકલ્પ ધરાવે છે. ‘એક્સ’ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (આઇ4સી)એ આ દિશામાં કેટલાંક પગલાં લીધાં છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ સાયબર-સિક્યોર ભારતનાં નિર્માણનાં અભિયાનને વેગ આપવા સક્રિયપણે સામેલ થવા બદલ પ્રસિદ્ધ અભિનેતા શ્રી અમિતાભ બચ્ચનનો આભાર માન્યો હતો.
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે દેશ અને દુનિયામાં વધી રહેલા સાયબર ક્રાઇમ ચિંતાનો વિષય છે. ગૃહ મંત્રાલય હેઠળનું ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર સાયબર ક્રાઇમને ડામવા માટે સતત કામ કરી રહ્યું છે. બચ્ચને ઉમેર્યું હતું કે, તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વિનંતી પર આ અભિયાનમાં જોડાયા છે. તેમણે કહ્યું કે દેશને આ સમસ્યાથી મુક્ત કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણી થોડી સજાગતા અને સાવચેતી આપણને સાયબર ગુનેગારોથી બચાવી શકે છે.