
- ચારેય શખસોએ પોલીસની ઓળખ આપીને કમિશન એજન્ટનું અપહરણ કર્યુ હતુ,
- ફરિયાદી પાસેથી રૂ.32 લાખની રકમ થેલા સહિત ઝુંટવી લૂંટ કરી હતી,
- ચારેય શખસો લૂંટ કરીને નાસી ગયા બાદ પ્રધ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી
રાજકોટઃ શહેરના રેસકોર્ષ નજીક એર કમિશન એજન્ટ એવા વેપારીનું અપહરણ કરીને મારમારીને ટીઆરપી જવાન સહિત ચાર શખસોએ પોલીસની ઓળખ આપીને રૂપિયા 32 લાખ ભરેલા થેલાની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પ્રદ્યુમનનગર પોલીસે ટીઆરપી જવાન સહિત ચાર શખસોની ધરપકડ કરી છે.
આ બનાવમાં લૂંટનો ભોગ બનેલા સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 8.10.2025ના રોજ એકતા એન્ટ્રપ્રાઈઝ રોયલ કોમ્પ્લેક્ષ ભુતખાના ચોક ઓફિસ નંબર 3 શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે રૂ.32 લાખ આપ્યા હતા. અમારા ભાવમાં કપાસની ગાસડી ન આવતા ખરીદી થઈ નહોતી. જેથી મેં મારા આપેલા રૂપિયા રૂ.32 લાખ પરત આપવાનું કહેતા શૈલેશભાઈએ મને કહ્યું કે તમારા રૂપિયા અમારો માણસ તમને રેસકોર્ષ લવ ગાર્ડન પાસે આવીને આપી જશે. જેથી હું રેસકોર્ષ લવ ગાર્ડન ખાતે બપોરના 12.30 વાગ્યા આસપાસ મારુ એકટીવા જીજે.03.ડીએમ.6059 લઈને પહોંચ્યો હતો. અને શૈલેશભાઈ સાથે ફોનમાં વાતચીત ચાલુ હતી અને શૈલેશભાઈએ મને ફોનમા કોન્ફરન્સમાં જે ભાઈ રૂપિયા આપવા માટે આવવાના હતા તેની સાથે વાત કરાવી હતી. દરમિયાન કીયા કાર રેસકોર્ષ અંદર લવ ગાર્ડન પાસે ઉભી હતી. ત્યાં હુ પહોંચ્યો હતો અને આ કીયા કારમાં બેઠેલા ભાઈ સાથે વાતચીત કરી હતી તેને મને રૂપિયા ભરેલો થેલો આપ્યો હતો અને એટલી જ વારમા ત્યાં સફેદ કલરના એક્સેસ વાહનમાં બે અજાણ્યા વ્યક્તિઓ આવી અને તેની સાથે બીજા એક વાહનમાં બે અજાણ્યા વ્યક્તિઓ પણ સાથે આવ્યા હતા. જેમાંથી સફેદ કલરના એક્સેસ વાહનમાં આવેલા વ્યક્તિએ મને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને મારો કાંઠલો પકડી ઝપાઝપી કરી, ગાળો બોલી, થપ્પડ મારીને રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો અને તેની સાથે આવેલી વ્યક્તિને આ રૂપિયા ભરેલો થેલો આપી દીધો હતો. ત્યારબાદ બન્ને અજાણ્યા વ્યક્તિઓ રૂપિયા ભરેલો થેલો લઈને ભાગી ગયા હતા.
એકસેસ વાહનમાં આવેલા શખસે પોતે પોલીસ છે તેમ કહી થપ્પડ મારી કહ્યું કે તમારા એકટીવાની ડેકી ખોલો મારે ચેક કરવી છે તેમ કહી મારી પાસેથી મારા બે મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. જો કે આ વ્યક્તિ પોલીસ છે તેવું ન લાગતા મે તેને કહ્યું કે મને તમે પોલીસ સ્ટેશન ખાતે લઈ જાવ, તમે જે માહિતી પૂછશો તેના જવાબ હુ તમને પોલીસ સ્ટેશન ખાતે આપીશ. જેથી તે એકદમ ઉશ્કેરાઈ ગયો અને મને કહ્યું કે મારુ નામ સાહબાજ મોટાણી છે અને હુ પોલીસ જ છુ તેમ કહી મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને મને એક કલાક સુધી ક્યાય જવા દીધો ન હતો. મને અડધો કલાક જેટલો સમય બેસાડી રાખી મારા સાથે મારામારી કરી હતી.
આ કેસમાં પ્રદ્યુમનનગર પોલીસે BNS કલમ 309(6), 140(2), 127(7), 115(2), 204, 3(5) મુજબ ગુનો નોંધી 4 શખસોને પકડી લઈને વધુ તપાસ હાથ ધરી છે.