
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફના સત્તાવાર યુટ્યુબ એકાઉન્ટને બ્લોક કરી દીધું. શરીફની ચેનલ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયેલ સૌથી હાઇ-પ્રોફાઇલ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. શાહબાઝ શરીફની બ્લોક કરેલી પ્રોફાઇલમાં લખ્યું છે કે, “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. સરકાર તરફથી હટાવવાના અનુરોધ વિશે વધુ જાણકારી મેળવાવા કૃપા કરીને ગૂગલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ જુઓ.” ભારત સરકાર અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના ભૂતપૂર્વ એકાઉન્ટને બ્લોક કરી ચુકી છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી, સરકારે પાકિસ્તાનમાંથી ફેલાતી ખોટી માહિતી અને ભારત વિરોધી પ્રચારનો સામનો કરવા માટે પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની સાર્વભૌમત્વ અને જાહેર વ્યવસ્થાને નબળી પાડવાના હેતુથી ભ્રામક સામગ્રી ફેલાવતી અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.આ કાર્યવાહી હુમલા પછી ખોટી માહિતી ફેલાવાને રોકવા માટેની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. બ્લોક કરાયેલા જાણીતા યુટ્યુબ ચેનલોમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર, પત્રકાર આરઝૂ કાઝમી અને કોમેન્ટેટર સૈયદ મુઝમ્મીલ શાહનો સમાવેશ થાય છે. ઓલિમ્પિયન અરશદ નદીમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું યુટ્યુબ એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
૩૦ એપ્રિલના રોજ, પ્રખ્યાત પાકિસ્તાની અભિનેત્રીઓ હાનિયા આમિર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ બ્લોક કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ, જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રતિબંધિત આતંકવાદી જૂથ ‘લશ્કર-એ-તૈયબા’ સાથે સંકળાયેલ ‘ટીઆરએફ’ એ આ હુમલાની જવાબદારી લીધી. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નવી દિલ્હીએ ઇસ્લામાબાદ સામે અનેક કડક રાજદ્વારી અને વ્યૂહાત્મક પગલાં લીધાં છે. આમાં 1960 ની સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરવી, અટારી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બંધ કરવી, પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવી શામેલ છે.