
અમેરિકા પાસેથી ભારતે એફ-35 ફાઈટર જેટ ખરીદવાનું ટાળશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતથી અમેરિકા આવતા માલ પર 25 ટકા ટેરિફની જાહેરાત કર્યા પછી, ભારત સરકારે અમેરિકન સ્ટીલ્થ ફાઇટર જેટ F-35 ખરીદવાની યોજનાનો ઇનકાર કર્યો હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર અધિકારીઓએ ગુપ્તતાની શરતે જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકાને કહ્યું છે કે તે નજીકના ભવિષ્યમાં તેની પાસેથી કોઈ મોટી સંરક્ષણ ખરીદી કરશે નહીં, જેમાં AF-35નો પણ સમાવેશ થાય છે. આ અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું કે ભારત શસ્ત્રોના સંયુક્ત વિકાસ, ટેકનોલોજીના ટ્રાન્સફર, ભારતમાં ઉત્પાદન અને સંરક્ષણ ખરીદીમાં સ્વનિર્ભરતા જેવી શરતોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે.
લાંબા સમયથી, અમેરિકન સંરક્ષણ અધિકારીઓ સંકેત આપી રહ્યા છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની વાતચીતમાં આ વિમાનોની ખરીદી પર ચર્ચા થઈ હતી. ટ્રમ્પે મીડિયાની સામે ભારતને F-35 વેચવાના પ્રસ્તાવ વિશે પણ વાત કરી હતી. પરંતુ ભારત ક્યારેય તેના માટે સંમત થયું નહીં. તે સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 500 બિલિયન ડોલર સુધી પહોંચી જશે અને આ માટે, અમેરિકા પાસેથી મોટા પાયે સંરક્ષણ ખરીદી કરવામાં આવશે. આ અંતર્ગત, ટ્રમ્પે ભારતને F-35 વિમાન વેચવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે તાજેતરમાં અમેરિકા પાસેથી સંરક્ષણ ખરીદીમાં વધારો કર્યો છે અને તેમાં MH 60R સીહોક હેલિકોપ્ટર અને P-8I દરિયાઈ દેખરેખ વિમાનનો સમાવેશ થાય છે. આમ છતાં, ભારતે દેશમાં ઉત્પાદનની શરત પૂરી ન થાય ત્યાં સુધી અમેરિકા પાસેથી હાઇ-ટેક સાધનો ખરીદવામાં અનિચ્છા વ્યક્ત કરી હતી.