1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

0
Social Share

ગાંધીનગરઃ જો પ્રાકૃતિક ખેતી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક; આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ, ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને નહિવત ઉત્પાદન ખર્ચમાં રસાયણમુક્ત ખેત પેદાશ અને વધારે ભાવ મળે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેઓના ખેતરમાં જમીનની ફળદ્રુપતા, ખર્ચ, પાકનું ઉત્પાદન, આવક વગેરે વિશે માહિતી મેળવી હતી. તેઓએ જૈવિક ખેતી, રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ફર્ક સમજાવ્યો હતો. રાસાયણિક ખેતીમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવાઓ વગેરેની ખરીદી કરી છંટકાવ કરવામાં આવે છે. જેના પરિણામે ખર્ચ વધુ થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે. ખેતરોમાં રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી દુર્ગંધ માત્રથી ખેડૂતોના અવસાનના કિસ્સાઓ સામે આવ્યા છે. આ રસાયણોથી પકાવવામાં આવેલું અનાજ જો આહારમાં લેવામાં આવે તો સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ ઊભી થાય છે અને જમીનના પોષકતત્વો ઘટે છે. રાસાયણિક ખેતીને લીધે ગુજરાતમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૪ થી નીચે આવી ગયું છે.

પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. ખેતી કરવા માટે માત્ર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની જરૂર છે. દેશી ગાય આધારિત ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. પશુઓને સેક્સડ સીમેન ડોઝથી કુત્રિમ બીજદાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. જેના થકી વધુ માદા જન્મશે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણું હોય છે. ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. સૂક્ષ્મ જીવાણુઓ અને અળસીયાઓ ઓર્ગેનિક કાર્બન વધારવાનું કામ કરે છે, તેનાથી જમીન ફળદ્રુપ બને છે અને ઉત્પાદન સારું મળે છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. ધરતીને રસાયણોના ઝેરથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ માર્ગ છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લામાં ૧૩ સ્થળોએ જીવામૃત અને ઘન જીવામૃતના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા જામનગર જિલ્લાના કુલ ૧૩૭૭ જેટલા લાભાર્થીઓને દેશી ગાય નિભાવ ખર્ચ માટે દ્વારા સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી જિલ્લામાં ૮૨ ક્લસ્ટરમાં અંદાજિત ૨૦૦૦ તાલીમોમાં ૫૦૯૭૩ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code