
મહારાષ્ટ્રઃ ઔરંગજેબની કબ્ર દૂર કરવા માટે ભાજપાના ધારાસભ્યએ સીએમ ફડણવીસ સમક્ષ કરી માંગ
પૂણેઃ ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારને ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપી મારનાર ઔરંગઝેબની કબર હજુ પણ મહારાષ્ટ્રમાં કેમ છે? તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ કબરને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવી જોઈએ”.
ટી. રાજા સિંહે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે માત્ર ઔરંગઝેબની કબર જ નહીં પરંતુ તેમના નામ સાથે જોડાયેલા તમામ પ્રતીકો પણ દૂર કરવા જોઈએ. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું હતું, તો પછી એરપોર્ટ પર “વેલકમ ટુ ઔરંગાબાદ એરપોર્ટ” જેવા બોર્ડ કેમ લગાવવામાં આવે છે? તેમણે કહ્યું કે, ફક્ત મહારાષ્ટ્રના હિન્દુઓની જ નહીં પરંતુ સમગ્ર ભારતના હિન્દુઓની માંગ છે કે ઔરંગઝેબ સાથે સંબંધિત દરેક નિશાન ભૂંસી નાખવામાં આવે.
રાજા સિંહે કહ્યું કે, દરેક વસ્તુ પર રાજકારણ કરી શકાય છે, પરંતુ ઇતિહાસ સાથે સમાધાન ન કરવું જોઈએ. તેમણે કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં અને ઇતિહાસ સાથે ચેડા કરનારાઓને ખતમ કરવા જરૂરી છે. પોતાની પોસ્ટમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહારાષ્ટ્રની પવિત્ર ભૂમિ પરથી ઔરંગઝેબનું નામ સંપૂર્ણપણે દૂર કરવું જોઈએ.