1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અલંગમાં શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા અનેક માછલાં, કરચળા અને પક્ષીઓનાં મોત
અલંગમાં શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા અનેક માછલાં, કરચળા અને પક્ષીઓનાં મોત

અલંગમાં શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા અનેક માછલાં, કરચળા અને પક્ષીઓનાં મોત

0
Social Share
  • દરિયામાં ડામર જેવું 3 ઇંચનું પડ જામ્યું,
  • દરિયાકાંઠે મૃત માછલીઓ-કરચલા પક્ષીઓ તણાઆ આવ્યા,
  • તળાજાના પ્રાંતએ GPCBને જાણ કતરી

ભાવનગરઃ જિલ્લાના અલંગ શિપિંગ બ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા એક શિપમાંથી ઝેરી કેમિકલ દરિયામાં છોડાતા દરિયાનું પાણી દૂષિત બનતા અનેક માછલાંઓ, કરચલાંઓ અને પક્ષીઓના મોત નિપજતા વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ વિસ્તારના નાગરિકો અને પર્યાવરણવિદોએ પ્રાંત અધિકારીને રજુઆત કરતા પ્રાંત અધિકારીએ ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ (GPCB)ને જાણ કરી હતી. જીપીસીબીની ટીમ તપાસ કરી રહી છે.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તાજેતરમાં સ્ક્રેપ માટે આવેલી કોઈ શિપમાંથી અત્યંત જ્વલનશીલ અને ઝેરી કેમિકલ દરિયામાં બેરોકટોક ઠાલવામાં આવતાં દરિયાકાંઠો અને સમુદ્રમાં પારાવાર નુકસાન થયું છે. આમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. દરિયામાં પર્યાવરણ ભયજનક હદે પ્રદૂષિત થયું છે, તો બીજી તરફ સાગરખેડૂઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. દરિયામાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનું ડામર જેવું જાડું કાળું પ્રવાહી પડ પથરાયેલું છે. આ અંગે તળાજાના પ્રાંત અધિકારી જે.આર. સોલંકીએ કહ્યુ હતું કે ગત મોડીરાત્રે આ અંગે મને જાણ થઈ હતી. મને જાણ થતાં મેં તરત જ જીપીસીબીને જાણ કરી છે અને તેની ટીમ પહોંચીને તપાસ કરી રહી છે.

અલંગ શિપયાર્ડમાં પ્રતિ વર્ષ દુનિયાના ખૂણેખૂણેથી મહાકાય જહાજો ભંગાવવા માટે આવે છે. આ જહાજોનું અહીં કટિંગ કરી સ્ક્રેપમાં તબદિલ કરવામાં આવે છે. આવા મહાકાય શિપને તોડતા સમયે એમાં રહેલો ઝેરી કચરો તથા પર્યાવરણ માટે અત્યંત ખતરનાક જલદ કેમિકલ્સ દરિયામાં ઢોળાતું હોય છે. આ કેમિકલ તથા ઝેરી કચરો દરિયામાં જવાના કારણે અસંખ્ય સમુદ્ર જીવસૃષ્ટિ નાશ પામી રહી છે, તો બીજી તરફ માનવજાતને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, પરંતુ વિકાસ અને સ્વાર્થની આંધળી વૃત્તિના કારણે સમગ્ર મુદ્દે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.  કહેવાય છે કે, તાજેતરમાં અલંગના કોઈ પ્લોટમાં પેટ્રોકેમિકલ્સનું વહન કરતી શિપ બ્રેકિંગ માટે આવી છે. આ શિપ બહાર પાણીએ લાંગર્યા બાદ એમાં રહેલું ડામર જેવું જલદ અને જોખમી કેમિકલ અજાણતાં કે જાણીજોઈને દરિયામાં છોડવામાં આવ્યું હતુ. આ કેમિકલ સમુદ્રમાં દૂર-દૂર સુધી પ્રસરી જતાં સમુદ્રી જીવસૃષ્ટિ નાશ પામી છે. અસંખ્ય સમુદ્રી જીવો તેમજ માછલીઓનાં મોત થયાં છે, તો બીજી તરફ અલંગ શિપયાર્ડના દરિયાકાંઠાના ડાબા અને જમણી સાઈડના બંને બાજુના અનેક કિલોમીટરના અંતર સુધી આવેલા કાંઠા વિસ્તારમાં આ ડામર જેવું કેમિકલ ફરી મળ્યું છે. માછીમારો માછલી પકડવા માટે સમુદ્રમાં જાળ બિછાવી હોવાથી આ જાળમાં પણ ડામર જેવું પ્રવાહી ચોંટી જતાં જાળ બરબાદ થઈ જવા પામી છે. માછીમારોના કહેવા મુજબ  દરિયામાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીનું ડામર જેવું જાડું પ્રવાહી પડ પથરાયેલું છે. સમગ્ર બાબતને લઈને જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code