1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા
ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

ગાંધીનગરમાં વંદે માતરમનું સામૂહિક ગાન, સ્વદેશી અપનાવવા સામૂહિક શપથ લેવાયા

0
Social Share
  • વંદે માતરમ” ભારતનાં આત્માનો નાદ અને દરેકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો ધ્વનિ છેઃ CM
  • રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પ્રેરણા ગીત છે, સૌના હૃદયમાં એક આગવું સ્થાન ધરાવે છે,
  • 140 કરોડ ભારતવાસીઓમાં આ ઊજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.

ગાંધીનગરઃ વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્વદેશી અપનાવવાના સંકલ્પનું સામૂહિક પઠન વિધાનસભા અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી  કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે વંદે માતરમ ગાનનો મહિમામંડિત કરતા હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વંદે માતરમ ગાનને વિકાસનો રાજમાર્ગ, સંકલ્પિત રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ અને  આપણી આઝાદીનો ધબકાર ગણાવ્યો છે.

1875માં લખાયેલા વંદે માતરમ ગાનના 150 વર્ષ 7મી નવેમ્બરે પૂર્ણ થયા છે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં થઈ રહી છે. 140 કરોડ ભારતવાસીઓમાં આ ઉજવણીથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ ઉજાગર થયો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી વંદે માતરમ ગીતના શબ્દો ‘ત્વમ હી પ્રાણા શરીરે’ એટલે કે પ્રત્યેક શ્વાસે માં ભારતી માટે સમર્પિત રહિને એક આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ સમગ્ર દેશવાસીઓને આપી રહ્યાં છે. વડાપ્રધાનએ વંદે માતરમને ભારતની આન, બાન અને શાન ગણાવી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વંદે માતરમ ગીતમાં માં ભારતીની જે કલ્પના કરવામાં આવી છે, તે સુજલામ-સુફલામ સાથેની દરેક વાતને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ પગલાં લીધાં છે. તેમણે ગુજરાતમાં શરૂ કરાવેલી પંચામૃત શક્તિ, કન્યા કેળવણી, ગરીબ-વંચિતોનું કલ્યાણના પગલા કે સૌના વિકાસ અને સુખ-સમૃદ્ધિની ભાવના પણ વંદે માતરમમાં જ રહેલી છે.

તેમણે કહ્યું કે, આ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદમઠ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું અને પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે જ દેશના નાગરિકોને એક અદભુત રોમાંચક અનુભવ થયો હતો. વંદે માતરમ”   માત્ર એક ગીત નથી, એ તો ભારતનાં આત્માનો નાદ અને દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવતા રાષ્ટ્રપ્રેમની પવિત્ર ધ્વનિ છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વંદે માતરમ એવો ક્રાંતિમંત્ર છે કે જેને બોલતા જ સૌ ભારતીયોના હૃદયનાં તાર રણઝણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે. વંદે માતરમ એ રાષ્ટ્રીય ગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત પણ છે જેણે સ્વતંત્રતાના સંગ્રામથી લઈ આજ દિવસ સુધી સૌના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.

તેમણે વંદે માતરમ ગાનની રચના અંગેનો કિસ્સો વર્ણવતા કહ્યું કે, વંદે માતરમના રચયિતા  બંકિમચંદ્રની નાનકડી દીકરીએ તેમને પૂછ્યું કે તમે જે માતૃભૂમિની સ્તૂતિ કરો છો તે કેવી છે તેની વિશે કહો. ત્યારે તેના જવાબમાં તેમણે વંદે માતરમ ગાનની રચના કરીને કહ્યું કે, આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી, નીલવર્ણી ખેતરો ધરાવતી, સુખદાયિની ભારતભૂમિ નદીઓ સરોવરોથી વ્યાપ્ત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 1950માં “વંદે માતરમ”ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપ્યો. આજે પણ જ્યારે વંદેમાતરમ ગવાય કે તેને સાંભળીએ ત્યારે માતૃભક્તિ અને માં ભારતીની આરાધનાનો ભાવ ઊભો થાય છે.

વડાપ્રધાનના પ્રયાસોથી ફરી એકવાર આ વંદે માતરમ ગીતના શબ્દોને જીવવાની પ્રેરણા મળી છે ત્યારે આ અવસરે સૌ નાગરિકજનો સ્વદેશીને બળ આપતા આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામાં આગળ વધે તેવો મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સ્વદેશીને વંદે માતરમ ગીત સાથે સીધો સંબંધ હોવાનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, 1906માં ગુજરાતમાં અમદાવાદ ખાતે સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયું ત્યારે ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર “વંદે માતરમ” ગાવામાં આવ્યું હતું. સ્વદેશી વસ્તુઓથી માતૃભૂમિનાં વિકાસ સાથેનું સંધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર એ સમયે રચાયું હતું.

વંદે માતરમ ગાન પછી સ્વદેશી અપનાવવાના સામુહિક શપથ લેવામાં આવ્યા હતા. આ શપથમાં સ્વદેશીને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અને સ્વદેશી ચીજો રોજબરોજના જીવનમાં અપનાવવા માટે આહવાન કરવામાં આવેલું છે.

વંદે માતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના આ ગૌરવમય અવસરની ઉજવણી રાજ્યમાં જિલ્લા મથકો, નગરો ગામોમાં પણ મંત્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જનભાગીદારીથી કરવામાં આવી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code