
- ઈસરો કેમ્પસના IT સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી,
- તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા,
- સર્વરોમાં મહત્વનો ડોટા ખાક થયાની આશંકા
અમદાવાદઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના અમદાવાદ સ્થિત કેમ્પસમાં આવેલા આઈટી સર્વર બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.પણ આગને લીધે સર્વરને ભારે નુકસાન થયુ છે. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગ બુઝાવી દીધી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
શહેરના ઈસરોના કેમ્પસમાં આવેલા આઈટી સર્વરના બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઈસરો પરિસરના એક્ઝિટ ગેટ નજીક આવેલા આઈટી સર્વર બિલ્ડિંગના ઉપલા માળે આગની શરૂઆત થઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ શહેરના ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ફાઇટર્સે સમયસરની કાર્યવાહીથી ટૂંકા ગાળામાં જ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું. સાવચેતીના ભાગરૂપે બિલ્ડિંગમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે.
ઈસરોના અધિકારીઓના કહેવા મુજબ આગના કારણે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે, જેમાં અનેક કમ્પ્યુટર અને કિંમતી ઉપકરણો નાશ પામ્યા છે. જે સર્વરોમાં આગ લાગી હતી તેમાં મહત્ત્વપૂર્ણ ડેટા હોવાનું કહેવાય છે. હાલમાં નુકસાનના ચોક્કસ પ્રમાણનું આકલન ચાલી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ISROના સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર (SAC) ખાતે વર્ષ 2018માં પણ આવી જ એક ઘટના બની હતી. તે સમયે પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શંકા હતી. તે દુર્ઘટનામાં એન્ટેના ટેસ્ટ સુવિધામાં આગ લાગવાથી કેટલાક ખાસઉપકરણોને નુકસાન થયું હતું અને એક CISF ગાર્ડના શ્વાસમાં ધૂમાડો ઘૂસી જતાં તબિયત લથડી હતી.