1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો
ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો

ઉમરગામ નજીક પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર કરાયો

0
Social Share
  • ધૂમાડાના ગોટેગોટા ત્રણ કિમી સુધી દેખાયા
  • કંપનીના તમામ કર્મચારીઓને સુરક્ષિતરીતે બહાર કઢાયા
  • ચાર કલાકની જહેમત બાદ પણ આગ પર કાબુ ન મેળવી શકાયો

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામ નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઈ છે. આગે જાતજોતામાં વિકરાળરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આગ લાગ્યાના બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડના કાફલો દોડી ગયો હતો. ફાયરના લાશ્કરો દ્વારા છેલ્લા ચાર કલાકથી આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, આગનું વિકરાળરૂપ જોતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.

ઉમરગામ તાલુકાના તુંબ ગામે આવેલી પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકનું રો મટિરિયલ બનાવતી કંપનીમાં આજે બપોરે દોઢ વાગ્યે આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો અને કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. આગની જાણ કંપનીના સંચાલકોને કરવામાં આવી હતી. જેથી સંચાલકોએ તમામ કામદારોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી હતી. જે બાદ તાત્કાલિક ઉમરગામ અને સરીગામ ફાયરની ટીમને ઘટનાની જાણ કરાઈ હતી. ઉમરગામ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગનું વિકરાળ સ્વરૂપ જોઈ તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ આગને કાબુમાં લેવા હાલ 10થી વધુ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. પાણીની સાથે સાથે કેમિકલ ફોર્મનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. એક તરફ ભારે પવન અને બીજી તરફ પ્લાસ્ટિકનું રો મટિરિયલ હોવાથી ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે જેહમત ઉઠાવવી પડી રહી છે. બપોરે દોઢ વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. તેમજ સાંજના 7 વાગ્યા સુધીમાં કાબૂમાં આવે તેવી શક્યતા છે. 3 થી 4 કિલીમીટર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આગ ક્યા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, આ આગમાં કંપનીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. તપાસ બાદ નુકસાની અને આગનું સાચુ કારણ સામે આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code