સુરેન્દ્રનગર, 3 એપ્રિલ 2026: Meeting held to review election-related activities શહેરની મ્યુનિ.કોર્પોરેશન અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જાહેર થતાં જ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં જિલ્લા ચૂંટણી અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણીઓ યોજવા તેમજ આદર્શ આચારસંહિતાના કડક અમલ પર ભાર મૂક્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહિવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરવા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કરતા જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ વિભાગોને સુચારુ સંકલન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવા સૂચના આપી હતી. આ બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ (EVM) વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને તેના વ્યવસ્થાપન અંગે પણ જરૂરી સૂચનો અપાયા હતા. ચૂંટણી પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન, આઈ.ટી. કામગીરી, સાયબર સિક્યુરિટી, વેબકાસ્ટિંગ અને વિડિયોગ્રાફી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થાના આયોજન પર ભાર મુકાયો હતો. ચૂંટણી પ્રક્રિયામાં જોડાનાર પોલિંગ સ્ટાફના વેલ્ફેર, દિવ્યાંગ તેમજ સ્થળાંતરિત મતદારો માટેની ખાસ વ્યવસ્થાઓ, કસ્ટમાઈઝ્ડ કિટ અને તાલીમ આયોજન અંગે પણ નોડલ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


