1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા
રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા

રાજકોટમાં શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, અને કમળાના 2000થી વધુ કેસ નોંધાયા

0
Social Share
  • શહેરમાં શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861 કેસ નોંધાયા
  • આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓની લાંબી લાઈન લાગી
  • રોગચાળા સામે મ્યુનિનો આરોગ્ય વિભાગ બન્યો સતર્ક

રાજકોટઃ શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત ઋતુને કારણે શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. સાથે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1271 અને સામાન્ય તાવના 861, ડેન્ગ્યૂનાં 2 અને કમળાનાં 2 તેમજ ટાઇફોઇડનો 1 સહિત વિવિધ રોગનાં 2328 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.

શહેરમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધતા જ શરદી-ઉઘરસ અને તાવના દર્દીઓમાં વધારો થયો છે, સરકારી દવાખાનાઓમાં સવારથી દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. જ્યારે ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેન્ગ્યૂનાં પણ છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે. આથી મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં છેલ્લા સપ્તાહમાં મ્યુનિ. સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મ્યુનિના ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2336 સામે ચાલુ સપ્તાહે 2,328 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં 1271 કેસ, ઝાડા-ઊલટીનાં 191 જેટલા કેસ, સામાન્ય તાવનાં 861 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 2 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂનાં 2 કેસ સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે.

આ અંગે મ્યુનિના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં આવા 76 આસમીઓને નોટિસ આપવામાં આવી છે. આગામી સમયમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code