
- 40થી 50 વર્ષ જુના મકાનો જર્જરિત સ્થિતિમાં છે,
- ગુજરાત હાઉસિંગ બોર્ડના ૫૧ મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા નોટિસ,
- અગાઉ માર્ગ મકાન વિભાગે નોટિસ આપી હતી, હવે મ્યુનિ.કોર્પોરેશનને મામલો સંભાળ્યો
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓને રહેવા માટે ક્વાટર્સ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણાબધા સરકારી કર્મચારીઓ માટેના આવાસો જર્જરિત બન્યા છે. 40થી 50 વર્ષ પહેલાના જર્જરિત બિલ્ડિંગોને તોડીને નવા બનાવવાની સરકારની યોજના છે. સરકારના વિવિધ કર્મચારીઓને ફાળવવામાં આવેલા ભયજનક સરકારી આવાસો ખાલી કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે ત્યારે હવે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ આવા ભયજનક આવાસો ખાલી કરાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત માર્ગ મકાનના 137 સહિત કુલ 188 આવાસોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
પાટનગર ગાંધીનગરમાં સરકારી અધિકારી-કર્મચારીઓને સરકારી મકાનો માર્ગ અને મકાન વિભાગ દ્ધારા ફાળવવામાં આવ્યા છે. જે આશરે 45 થી 50 વર્ષ જૂના છે. જેમાંથી ઘણાં મકાનો રહેવા લાયક પરિસ્થિતિમાં ન હોઈ જર્જરિત થઇ ગયા છે. આ જર્જરિત થયેલા આવાસોને માર્ગ અને મકાન વિભાગ દ્ધારા આશરે બે વર્ષથી ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી રહી છે. છતાંયે આજદિન સુધી ઘણાં આવાસો વસાહતીઓ દ્ધારા ખાલી કરવામાં આવ્યા નથી. જેથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સરકારી ભયજનક આવાસો ખાલી કરાવવાની સત્તા જીપીએમસી એક્ટની 1949ની કલમ 64 મુજબ મ્યુનિસિપલ કમિશનરની થતી હોવાથી આજે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માર્ગ અને મકાન વિભાગના 137 જર્જરીત આવાસમાં રહેતા રહીશોને મકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી છે તેની સાથે ગુજરાત હાઉસિંગ બોર્ડના 51 મકાન ધારકોને પણ જર્જરિત મકાન ખાલી કરી દેવા નોટિસ આપવામાં આવી છે, જો નોટિસ બાદ પણ આ મકાન ખાલી કરવામાં નહીં આવે તો મ્યુનિની ટીમો દ્વારા મકાન ખાલી કરાવવામાં આવશે ગત વર્ષે પણ આ જ પ્રકારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મકાનો ખાલી કરાવવા માટે ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી હતી અને માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 300 થી વધુ જર્જરીત આવાસ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. હાલ ચોમાસાની સ્થિતિમાં વરસાદને કારણે આ જર્જરીત આવાસો વધુ જોખમી બની જતા હોય છે તેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું.