સુરત, 19 ફેબ્રુઆરી 2026: તાપી નદીમાં જળકુંભીનું પ્રમાણ વધી જતા તેના લીધે નદી કાંઠા વિસ્તારની સાસાટીઓમાં મચ્છરોના ત્રાસ વધી ગયો હતો. ઉપરાંત જળકુંભીને લીધે નદીનું પાણી પણ પ્રદૂષિત થતાં દર વર્ષની જેમ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તાપી નદીમાંથી જળકુંભી કાઢવા માટે આધુનિક ડી-વીડર મશીનો કામે લગાડ્યા છે. નદીમાં જળકુંભી એટલે બધી છે કે, તેને કાઢવા માટે ચારથી પાંચ મહિના જેટલો સમય લાગશે.
સુરત શહેરમાં તાપી નદીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી માસની શરૂઆત સાથે જ જળકુંભીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. વધતા તાપમાન અને ઋતુસંધિના કારણે નદીમાં ફેલાતી આ વનસ્પતિને દૂર કરવા માટે સુરત મ્યુનિ.કોર્પોરેશન (SMC) દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. મ્યુનિના પ્રશાસન દ્વારા તાપી નદીમાં 2 (બે) આધુનિક ડી-વીડર મશીનો ઉતારીને જળકુંભી દૂર કરવાનું કામ શરૂ કરી દેવાયું છે. સામાન્ય રીતે શિયાળો પૂર્ણ થતા અને ઉનાળાની શરૂઆત પહેલા, એટલે કે ફેબ્રુઆરી માસમાં વાતાવરણમાં આવતા બદલાવને કારણે જળકુંભીનો ફેલાવો ઝડપથી વધતો હોય છે. ઉપરવાસમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહમાં ઘટાડો થતા અને નદીના સ્થિર પાણીમાં પોષક તત્વો વધતા જળકુંભી આક્રમક રીતે ફેલાય છે. આ વનસ્પતિ નદીના ઓક્સિજન સ્તરમાં ઘટાડો કરે છે, જેનાથી જળચર સૃષ્ટિ પર જોખમ ઊભું થાય છે.
આ સફાઈ અભિયાન માત્ર ટૂંકા ગાળા માટે નહીં, પરંતુ આગામી ચોમાસાની શરૂઆત સુધી સતત ચાલુ રાખવામાં આવશે. આશરે જૂન સુધી આ મશીનો દ્વારા નદીના વિવિધ ભાગોમાંથી જળકુંભીના થર દૂર કરવામાં આવશે. ખાસ કરીને કોઝવે અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં જળકુંભી વધુ જમા થાય છે, ત્યાં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જળકુંભીના કારણે પાણીમાં દુર્ગંધ આવવાની સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે. મ્યુનિની આ કામગીરીથી નદીનું પાણી સ્વચ્છ રહેશે અને રિવરફ્રન્ટની સુંદરતા પણ જળવાઈ રહેશે.


