 
                                    નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-17 સપ્ટેમ્બર, 2024નાં રોજ ઝારખંડ, ગુજરાત અને ઓડિશાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 15 સપ્ટેમ્બરનાં રોજ ઝારખંડની મુલાકાત લેશે અને સવારે 10 વાગે તેઓ ટાટાનગર જંક્શન રેલવે સ્ટેશન, ઝારખંડ ખાતે ટાટાનગર-પટણા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. સવારે લગભગ 10:30 વાગ્યે તેઓ 660 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને અર્પણ કરશે તથા ઝારખંડનાં ટાટાનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ (પીએમએવાય-જી)નાં 20,000 લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ પણ કરશે.
પ્રધાનમંત્રી 16 સપ્ટેમ્બરનાં રોજ સવારે 09:45 વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે તેઓ મહાત્મા મંદિર, ગાંધીનગર, ગુજરાત ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (રિ-ઇન્વેસ્ટ)નું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 1:45 વાગ્યે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 3:30 વાગ્યે અમદાવાદમાં તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી 17 સપ્ટેમ્બરનાં રોજ ઓડિશાની મુલાકાત લેશે અને સવારે 11:15 વાગ્યે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરીનાં લાભાર્થીઓ સાથે વાત કરશે. ત્યારબાદ બપોરે લગભગ 12 વાગે તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં 3800 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 660 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. તેઓ દેવઘર જિલ્લામાં મધુપુર બાય પાસ લાઇન અને ઝારખંડનાં હઝારીબાગ જિલ્લામાં હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે. આ કામ પૂર્ણ થયા પછી, માધુપુર બાયપાસ લાઇન હાવડા-દિલ્હી મેઇનલાઇન પર ટ્રેનોને રોકવાથી બચી શકાશે અને ગિરિડીહ અને જસીદીહ વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ મદદ કરશે અને હઝારીબાગ ટાઉન કોચિંગ ડેપો આ સ્ટેશન પર કોચિંગ સ્ટોકની જાળવણીની સુવિધામાં મદદ કરશે.
પ્રધાનમંત્રી કુરકુરા-કનારુઆં ડબલિંગ પણ દેશને સમર્પિત કરશે, જે બંડામુંડા-રાંચી સિંગલ લાઇન સેક્શનનો ભાગ છે તથા રાંચી, મુરી અને ચંદ્રપુરા સ્ટેશનો થઈને રાઉરકેલા-ગોમોહ રૂટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ ચીજવસ્તુઓ અને પેસેન્જર ટ્રાફિકની ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત સામાન્ય લોકોની સુરક્ષા વધારવા માટે 04 રોડ અંડર બ્રિજ (આરયુબી) પણ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

