Homeગુજરાતીગુજરાતગુજરાતમાં ખાનગી શાળા-કૉલેજોના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં

ગુજરાતમાં ખાનગી શાળા-કૉલેજોના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં

ગાંધીનગર, 2 સપ્ટેમ્બર, 2026 : NCC cadets from private schools and colleges will also get camp allowances  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC)ના કૅડેટ્સના હિતમાં મહત્વનો અને સમાન તક આધારિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ હવે રાજ્યની ખાનગી શાળા-કૉલેજોમાં કાર્યરત NCC કૅડેટ્સ જ્યારે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદગી પામશે, ત્યારે તેમને સરકારી શાળા-કૉલેજના કૅડેટ્સની જેમ જ કૅમ્પ ભથ્થાં મળશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી  ત્રિકમભાઈ છાંગાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી ખાનગી સંસ્થાના કૅડેટ્સને રાષ્ટ્રીય કક્ષાની સમાન તક મેળવવામાં આવતું આર્થિક અવરોધ દૂર થશે.

નોંધનીય છે કે NCC કૅડેટ્સ માટે Republic Day Contingent (RDC), Thal Sainik Camp (TSC), Youth Exchange Programme (YEP), Vayu Sainik Camp (VSC), Naval Sainik Camp (NSC) અને National Level Event (NLE) જેવા રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પો મહત્વના હોય છે. આવા કૅમ્પોમાં પસંદગી પામવા માટે કૅડેટ્સે સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને અંદાજે 4થી 5 સ્પર્ધાત્મક કૅમ્પોમાં ભાગ લેવો પડે છે.

અત્યાર સુધી રાજ્યની સરકારી શાળા-કૉલેજના NCC કૅડેટ્સને ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણ મુજબ વિવિધ કૅમ્પ ભથ્થાં આપવામાં આવતા હતાં, જ્યારે ખાનગી શાળા-કૉલેજોના કૅડેટ્સને રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી આવા કોઈ ભથ્થાં મળતાં નહોતાં. પરિણામે કૅમ્પ સાથે સંકળાયેલો ખર્ચ કૅડેટ અથવા સંસ્થાએ જાતે ઉઠાવવો પડતો હતો. આર્થિક ભારણના કારણે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામવાની ક્ષમતા ધરાવતા કેટલાક તેજસ્વી કૅડેટ્સ પણ ભાગ લેવા અચકાતા હોવાની સ્થિતિ સરકારના ધ્યાન પર આવી હતી.

આ પરિસ્થિતિને બદલવા માટે શિક્ષણ વિભાગે એક ઠરાવ કરી હવે ખાનગી શાળા-કૉલેજના કૅડેટ્સને પણ સરકારી કૅડેટ્સ સમાન કૅમ્પ ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ બાબત એ છે કે આ માટે થનારા ખર્ચનો 100 ટકા હિસ્સો રાજ્ય સરકાર ભોગવશે. ભથ્થાની ચુકવણી ભારત સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવતા દર મુજબ કરવામાં આવશે.

આ નિર્ણયથી મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસ જેવા કૅમ્પ સંબંધિત ખર્ચમાં કૅડેટ્સ અને તેમની સંસ્થાઓને સીધી રાહત મળશે. સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર આર્થિક સહાય પૂરતો નથી, પણ દરેક પ્રતિભાશાળી કૅડેટને સમાન તક ઉપલબ્ધ કરાવવાનો છે. કૅડેટ સરકારી સંસ્થામાં અભ્યાસ કરે છે કે ખાનગી સંસ્થામાં, તેની રાષ્ટ્રીય કક્ષાની તક હવે આર્થિક ક્ષમતા પર આધારિત નહીં રહે. પસંદગી પ્રતિભા, મહેનત અને ક્ષમતાના આધારે થશે.

NCC યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, જવાબદારી અને દેશસેવાની ભાવના વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પોમાં ગુજરાતના વધુ કૅડેટ્સ ભાગ લે અને પોતાની પ્રતિભા દર્શાવે; તે રાજ્યના યુવા વિકાસ માટે પણ સકારાત્મક પરિણામ આપનારું પગલું બની શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular