
એનઆઈએમસીજેના વિદ્યાર્થીઓએ પપેટના માધ્યમથી આરોગ્ય-સ્વચ્છતાનો સંદેશ આપ્યો
અમદાવાદ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન ઍન્ડ જર્નાલિઝમ (NIMCJ),અમદાવાદ ના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પરંપરાગત માધ્યમોના અભ્યાસના ભાગરૂપે પપેટ મેકિંગ વર્કશોપ યોજાયો હતો.પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પપેટ મેકિંગની કલાને સમજી હતી અને વર્કશોપના અંતે નિદર્શન પણ કર્યું હતું.
પપેટરી કલાના તજજ્ઞ રમેશભાઈ રાવલે સંસ્થાના વિદ્યાર્થીઓને આ વર્કશોપ દરમિયાન વિવિધ દેશોમાં પરંપરાગત માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાતા પપેટની કલાની જાણકારી આપી હતી તથા તેમની પાસે વિવિધ પ્રકારના પપેટ તૈયાર કરાવડાવ્યા હતા.વર્કશોપના અંતે મૂલ્યાંકન માટે વિદ્યાર્થીઓએ નિદર્શન કર્યું હતું.
આ નિદર્શનમાં દક્ષિણ ગુજરાતના આદિજાતિ સમાજમાં જોવા મળતા સિકલસેલ એનિમિયાના રોગ સામે જાગૃતિ લાવવા વિવિધ પાત્રોનું પપેટના માધ્યમથી વિદ્યાર્થીઓએ નિર્માણ કર્યું હતું. તેમણે આ રોગનો પ્રતિકાર કઈ રીતે થઈ શકે તથા તેના વિશે જાગૃતિ કઈ રીતે લાવી શકાય તેની પપેટ પાત્રોના રોચક – મનોરંજક સંવાદોથી જાણકારી આપી હતી. આ ઉપરાંત સ્વચ્છ ભારતનો પ્રતિકાત્મક સંદેશ અને આદિવાસી ટીમલી નૃત્યની પપેટરીથી વિદ્યાર્થીઓને તેમણે મંત્રમુગ્ધ કર્યા હતા.
આ વર્કશોપમાં સિનિયર પત્રકાર જીતુભાઈ ભટ્ટનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો. નિદર્શનને સંસ્થાના નિર્દેશક પ્રો(ડૉ.)શિરીષ કાશીકર,પ્રાધ્યાપકો કૌશલ ઉપાધ્યાય, નિલેશ શર્મા, ગરીમા ગુણાવત, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ તથા વિદ્યાર્થીગણે રસપૂર્વક નિહાળ્યું હતું.