1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત,બે ગંભીર
રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત,બે ગંભીર

રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા એકનું મોત,બે ગંભીર

0
Social Share

રાજકોટ, 15 માર્ચ 2026: one killed after car collides with divider રાજ્યના હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ રાજકોટ-પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે સર્જાયો છે. 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી નવીનક્કોર વર્ના કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતાં 20 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, એક કાર જેતપુરથી ધોરાજી તરફ પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાલકૃષ્ણ ફાર્મ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પહેલા ડિવાઈડર અને ત્યારબાદ ફાર્મની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. કારનું બોનેટ અને પાછળનું ટાયર ઉખડીને રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. કારમાં કુલ ત્રણ મિત્રો સવાર હતા. અકસ્માતમાં 20 વર્ષીય અવધ તિવારીનું ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે 20 વર્ષીય દેવરાજ ગોસાઈ અને 20 વર્ષીય અક્ષય વાઘેલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વર્ના કારમાં કુલ 3 મિત્રો સવાર હતા. મૃતક યુવકની ઓળખ અવધ અરવિંદ તિવારી (ઉંમર 20 વર્ષ) તરીકે થઈ છે. અન્ય ઇજાગ્રસ્તોમાં દેવરાજ જયેશ ગોસાઈ (ઉંમર 20 વર્ષ)ને વધુ સારવાર માટે જૂનાગઢ અને અક્ષય પ્રવિણ વાઘેલા (ઉંમર 20 વર્ષ)ને જેતપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ, મૃતક અવધ તિવારી વિરુદ્ધ પાસા, મારામારી અને અપહરણ જેવા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે.

આ અકસ્માતની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઘટનાના ગણતરીના સમય પહેલા જ આ યુવકોએ કાર 118 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવતા હોવાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પર રફ્તાર બતાવવાનો આ શોખ અંતે જીવલેણ સાબિત થયો હતો. ઘટનાની જાણ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પીઆઈ એમ. એમ. ઠાકોરે જણાવ્યું હતું કે, કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનને હટાવી હાઈવે પરનો ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code