
- કારમાં સવાર ચાર પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
- પ્રવાસીઓ કારમાં જુનાગઢથી રાજસ્થાન પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત
- ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયો હતો. શહેરના સોલા બ્રિજ પર બંધ પડેલી ટ્રકમાં પાછળથી કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં કારના કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ દ્વારા અકસ્માત મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના એસ.જી હાઇવે પર અવાર-નવાર નાનાં-મોટાં અકસ્માત થતાં રહે છે. આજે વહેલી સવારે પણ એસ.જી હાઇવે પર અકસ્માતના કારણે એક વ્યક્તિનું મોત થયું હતુ. અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તમામ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના સોલા બ્રિજ પર આજે વહેલી સવારે એક કારને અકસ્માત નડ્યો હતો. જૂનાગઢથી રાજસ્થાન પરત જતી કાર પૂરપાટ ઝડપે આવી અને એકાએક બ્રિજ પર બંધ પડેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કરના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાનો આનંદ માણી રાજસ્થાન પરત ફરી રહેલા કાર ચાલકને શહેરના એસજી હાઇવે પર સોલા બ્રિજ પાસે બંધ પડેલી ટ્રક નહી દેખાતા પાછળથી ટકરાઇ હતી. જેમાં શ્રીચંદ્ર નંતુરામ (ઉ. વ. 61)નું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. જ્યારે કારચાલક સહિત 4 જણાંને ગંભીર ઇજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
આ અંગે એસજી-1 ટ્રાફિક પોલીસે ટ્રકચાલક ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો હતો. રાજસ્થાનમાં રહેતા મૃતકના પરિવારને ઘટનાની જાણ કરતા તેઓ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી મૃતકની લાશ પરિવારને સોંપી હતી.એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ આર.વી.વીચીએ જણાવ્યું કે, રાજસ્થાનનાના બગડ રાજપૂત ગામમાં રહેતા રાજુ શ્રીરામ મીણા ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની અર્ટિગો કારમાં પિન્ટુરામ લાલારામ મીણા, ચરણભાઇ લાલારામ શર્મા, દેશરાજ રમેશ ચંદ્ર શર્મા અને શ્રીચંદ્ર નંતુરામ શર્માને લઇ જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ગયા હતા. મેળો માણીને જૂનાગઢથી રાજસ્થાન જવા નીકળ્યા હતા તે દરમિયાન સવારે 6 વાગ્યાના સુમારે ડ્રાઇવર રાજુ મીણા કાર હંકારીને એસજી હાઇવેથી સોલા બ્રિજ તરફ જતો હતો, ત્યારે સોલા બ્રિજના મધ્યભાગમાં બંધ હાલતમાં ટ્રક ઊભેલી હતી. વહેલી સવારના અંધારામાં રાજુ મીણાને ટ્રક નહીં દેખાતા તેની કાર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા ડ્રાઇવર સીટ પાસે બેઠેલા શ્રીચંદ્ર નંતુરામ શર્મા (ઉ.વ.61)ને માથા-હાથમાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઇવર સહિતના 4 જણાંને નાની-મોટી ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ એસજી-1 ટ્રાફિક પોલીસના પીઆઇને થતા તેઓએ સ્ટાફ સહિત દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.